IND vs PAK U19: એશિયા કપમાં પાકિસ્તાને ભારતને આઠ વિકેટે હરાવ્યું
દુબઈ: અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની યુવા ટીમ પાકિસ્તાન સામે 8 વિકેટે હારી ગઈ. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે માત્ર બે વિકેટ ગુમાવીને આસાનીથી ટાર્ગેટ ચેઝ કરી લોધો હતો.
ગ્રુપ-એની આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન સાદ બેગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ઓપનિંગ જોડીએ ધીમી અને સ્થિર શરૂઆત કરી હતી. ભારત તરફથી ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. આદર્શ સિંહે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. ઉદય સહારને 60 રન અને સચિન દાસે 58 રનનું યોગદાન આપ્યું હતું. અર્શિન કુલકર્ણી 24 રન બનાવીને આઉટ થયો હતો અને રૂદ્ર પટેલ એક રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ જીશાને ચાર વિકેટ લીધી હતી. આમિર હસન અને ઉબેદ શાહે બે-બે વિકેટ લીધી હતી. અરાફાત મિન્હાસે એક વિકેટ લીધી હતી.
ભારતે નવ વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 47 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 260 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અઝાન ઔવેસે 105 રનની અણનમ ઇનિંગ રમી હતી અને કેપ્ટન સાદ બેગે 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. શમાઈલ હુસૈન આઠ રન બનાવીને આઉટ થયો હતો અને શાઝેબ ખાન 63 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી માત્ર મુરુગન અશ્વિનને બે વિકેટ મળી હતી.
ભારતે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. જો કે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.