બેન્ગલૂરુ ટેસ્ટનો પહેલો દિવસ ધોવાયો: બીજા દિવસનું શેડ્યૂલ જાહેર, પણ વરસાદની ફરી સંભાવના…

બેન્ગલૂરુ: અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિમયમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસની રમતમાં ધાર્યા મુજબ મેઘરાજા વિઘ્નકર્તા બન્યા હતા. ટૉસ પણ નહોતો થઈ શક્યો અને આખા દિવસની રમત ધોવાઈ ગઈ હતી. ગુરુવારના બીજા દિવસની રમત માટે ફેરફારવાળું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે ગુરુવારે પણ વરસાદ પડવાની સંભાવના છે.
મંગળવાર રાતથી જ એકધારો વરસાદ હોવાને કારણે બુધવારે ટૉસ પણ શક્ય નહોતો બન્યો અને ઘણી રાહ જોયા બાદ છેવટે બપોરે 2.34 વાગ્યે પ્રથમ દિવસની રમતને રદ જાહેર કરવામાં આવી હતી. હવે ગુરુવારે રમત 15 મિનિટ વહેલી શરૂ થશે. ટૉસ સવારે 8.45 વાગ્યે ઉછાળવામાં આવશે અને રમત 9.15 વાગ્યે શરૂ કરાશે.
મંગળવારે બન્ને દેશની ટીમ વરસાદને લીધે મેદાન પર પ્રૅક્ટિસ પણ નહોતી કરી શકી.
ગુરુવારના બીજા દિવસના પહેલા બન્ને સત્રમાં 15-15 મિનિટનો વધારો કરાયો છે અને આખા દિવસમાં નિર્ધારિત 90ને બદલે 98 ઓવર બોલિંગ કરવામાં આવશે. બુધવારે રાત્રે જો વાતાવરણમાં સુધારો થયો હશે તો ગુરુવારે રમત વિઘ્ન વિના શરૂ થશે.
બુધવારે બપોરે વરસાદ અટકી ગયો હતો અને ત્યાર બાદ મેદાન રમવાલાયક બનાવી શકાય એટલો પૂરતો સમય નહોતો.
ખાસ કરીને પિચની બન્ને બાજુએ એક-એક મોટા ખાડામાં પાણી ભરાયેલું રહ્યું હતું. જોકે ગ્રાઉન્ડ્સમેને મેદાન પરનું કામ ચાલુ રાખ્યું હતું ત્યાં ફરી વરસાદ શરૂ થઈ જતાં છેવટે રમતને રદ કરવામાં આવી હતી. ખાસ કરીને વહેલી સવારે પડેલા મુશળધાર વરસાદને લીધે મેદાન વધુ ખરાબ થયું હતું.
વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે સહાયક કોચ અભિષેક નાયરની મદદથી ઇન્ડોર પ્રૅક્ટિસ કરી હતી.