IND vs NZ: રોહિત શર્માની કેપ્ટનશિપ પર ગાવસ્કરે ઉઠાવ્યા સવાલ, કહી આ વાત
Sunil Gavaskar on Rohit Sharma Captainship: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે પ્રવાસી ટીમે ટૉસ જીતીને બેટિંગ લીધી હતી. આ દરમિયાન એક પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે રોહિત શર્મા અને તેની કેપ્ટનશિપને નકારાત્મકતાનું પ્રતીક બનાવી દીધું છે. રોહિત શર્માએ સ્પિન બોલિંગ દરમિયાન લોંગ ઓફ અને લોંગ ઓન પર ફિલ્ડર ઉભા રાખ્યા હતા તેને લઈ સુનીલ ગાવસ્કરે આ નિવેદન આપ્યું હતું.
શું છે ઘટનાક્રમ
વોશિંગ્ટન સુંદર ન્યૂઝીલેન્ડની ઈનિંગની 19મી ઓવર ફેંકવા આવ્યો હતો. તે સમયે ફિલ્ડિંગની સ્થિતિ પર ટિપ્પણી કરતા, સુનીલ ગાવસ્કરે કહ્યું, સ્પિન બોલિંગ વખતે જો તમે લોંગ-ઓફ અને લોંગ-ઓન પર ફિલ્ડરને તૈનાત કરો છો, તો તમને રક્ષણાત્મક કેપ્ટન કહેવામાં આવશે. રોહિત નકારાત્મક સુકાની છે, જે હવે બાઉન્ડ્રી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.ફિલ્ડિંગમાં ફેરફાર કર્યા પછી, ગાવસ્કરે કહ્યું કે સ્પિન બોલર માટે આદર્શ ફિલ્ડિંગ સેટઅપ લોંગ-ઓન પર એક ખેલાડી અને મિડ-ઓફ પર એક ફિલ્ડર હોવો જોઈએ. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ પર કોમેન્ટ્રી કરતી વખતે રવિ શાસ્ત્રીનો અભિગમ સુનીલ ગાવસ્કરથી ઘણો અલગ નહોતો. તેમણે રોહિત શર્માની ફિલ્ડિંગને પણ રક્ષણાત્મક ગણાવી હતી.
કેવો રહ્યો પ્રથમ દિવસ
પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડની ટીમ 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવોન કોનવેએ 76 રનની ઇનિંગ રમી હતી, જ્યારે રચિન રવિન્દ્ર ફરી એકવાર બેટિંગમાં અસરકારક સાબિત થયો. તેણે 65 રન બનાવ્યા પરંતુ વોશિંગ્ટન સુંદરે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. સુંદરે પ્રથમ દાવમાં કુલ 7 વિકેટ ઝડપી હતી, જ્યારે રવિચંદ્રન અશ્વિને પણ 3 વિકેટ ઝડપીને તેનો સારો સાથ આપ્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 16 રન બનાવ્યા હતા, પરંતુ આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.