ઇંગ્લેન્ડની મહિલા હૉકી ટીમ ઓડિશા પહોંચીઃ પંદરમીના ભારત સામે ટકરાશે
![England women's hockey team arrives in Odisha: Will face India in the 15th](/wp-content/uploads/2025/02/FIH-Hocky-Pro-League-24-25.webp)
ભૂવનેશ્વરઃ ઇંગ્લેન્ડની મહિલા હૉકી ટીમ એફઆઇએચ હૉકી પ્રો લીગ 2024-25ની લીગની મેચોમાં ભાગ લેવા માટે આજે ભૂવનેશ્વર પહોંચી હતી. વિશ્વની 7મી ક્રમાંકિત ટીમ 15 ફેબ્રુઆરીએ યજમાન ભારત અને 25 ફેબ્રુઆરીએ ટોચના ક્રમાંકિત નેધરલેન્ડ્સ સામે અહીંના કલિંગા સ્ટેડિયમમાં ટકરાશે.
ટીમના સભ્યોનું અહીંના બીજૂ પટનાયક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવા પર ઓડિશા રમતગમત વિભાગ અને હૉકી ઇન્ડિયા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
હૉકી ઈન્ડિયાએ તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડે તેમના એફઆઇએચ પ્રો લીગ અભિયાનમાં મિશ્ર શરૂઆત કરી છે, જેમાં અત્યાર સુધીમાં એક જીત અને ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ વિરોધી ટીમો સામે પોતાના રમતનું સ્તર વધારીને સફળતા મેળવવાની આશા રાખશે.
આ પણ વાંચો…રોહિત અને બુમરાહ સાથે આઇપીએલમાં રમવાથી ઘણું શીખવા મળશેઃ રિકેલ્ટન
હૉકી ઈન્ડિયાએ તેની વેબસાઇટ પર ઈંગ્લેન્ડના ફોરવર્ડ ખેલાડી ડાર્સી બોર્નને ટાંકીને જણાવ્યું હતું કે અમે ‘હીરો હૉકી ઈન્ડિયા લીગ’ પછી ભારતમાં પાછા ફરવાને લઇને ખૂબ જ ઉત્સાહિત છીએ,” આશા છે કે વાતાવરણ ખૂબ સારું રહેશે.
હું આ ટીમ સાથે પહેલી વાર ભારત આવી છું પણ મેં અહીં હૉકી માટે આટલું વાતાવરણ પહેલાં ક્યારેય જોયું નથી. તો હું ખૂબ જ ઉત્સાહિત છું. હૉકી ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે 15થી 25 ફેબ્રુઆરી દરમિયાન ભૂવનેશ્વરમાં યોજાનારી પુરુષ અને મહિલા મેચની બધી ટિકિટ ચાહકો માટે મફત હશે.