શુભમન ગિલ બોલ્યો, `એક તરફ સે મોહમ્મદ હૈ ઔર દૂસરી તરફ સે કૃષ્ણ, દોનોં તબાહી મચા દેંગે’

લીડ્સઃ ઇંગ્લૅન્ડ (ENGLAND) સામે અહીં હેડિંગ્લી ગ્રાઉન્ડ પર ભારતીય ટીમે બન્ને દાવમાં મિડલથી માંડીની નીચલી હરોળમાં ધબડકો (41 રનમાં સાત અને 31 રનમાં છ વિકેટ) જોયો એટલે મૅચ પરની પકડ સતત બે વાર ગુમાવી, પરંતુ લડાયક વૃત્તિ ધરાવતા કૅપ્ટન શુભમન ગિલ (SHUBHMAN GILL)ને મંગળવારના આ અંતિમ દિવસે જીતવાની ઘણી આશા હોવાથી તેણે મેદાન પર સાથી ખેલાડીઓને પાનો ચડાવવામાં કોઈ કસર નહોતી છોડી. એક તબક્કે તેણે બે પેસ બોલર મોહમ્મદ સિરાજ (SIRAJ) અને પ્રસિદ્ધ ક્રિષ્ના (KRISHNA)નું નામ લઈને બધાને વિચારતા તો કરી જ દીધા હતા, તેનું એ વિધાન સ્ટમ્પ-માઇક દ્વારા આખી દુનિયા સમક્ષ આવી ગયું હતું.
સોમવારના ચોથા દિવસને અંતે 371 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લૅન્ડનો સ્કોર વિના વિકેટે 21 રન હતો. મંગળવારે બન્ને ઓપનરે (ઝૅક ક્રૉવ્લી, બેન ડકેટ) લંચ સુધીના પહેલા બે કલાક હેમખેમ કાઢી નાખ્યા અને પછી તો તેમની વચ્ચે 188 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. એક તબક્કે કૅપ્ટન શુભમન ગિલ જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુર ઉપરાંત મોહમ્મદ સિરાજ તથા પ્રસિદ્ધ ક્રિષ્નાની બાબતમાં એટલો બધો આશાવાદી હતો કે તે ક્રિકેટપ્રેમીઓને પ્રોત્સાહિત અને રોમાંચિત કરે એવું કથન બોલ્યો હતો.
શુભમન ગિલની કૅપ્ટન તરીકે આ ડેબ્યૂ સિરીઝ છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના સામસામા છેડેથી મોરચા પર હતા ત્યારે ગિલ જે બોલ્યો એ સ્ટમ્પ માઇકમાં રેકૉર્ડ થયું અને સોશિયલ મીડિયામાં પહોંચી ગયું હતું. તે બોલ્યો, ` એક તરફ સે મોહમ્મદ હૈ ઔર દૂસરી તરફ સે કૃષ્ણ, દોનોં તબાહી મચા દેંગે’