T20 World Cup 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

India vs England Highlights: ભારતે ઇંગ્લૅન્ડને કચડી નાખ્યું: બીજા ટી-20 ટાઇટલથી એક જ ડગલું દૂર

રોહિત, અક્ષર, કુલદીપે પહોંચાડ્યા ફાઇનલમાં: આવતી કાલે સાઉથ આફ્રિકા સાથે રાત્રે 8:00 વાગ્યાથી જંગ

પ્રોવિડન્સ (ગયાના): ભારતે (20 ઓવરમાં 171/7) ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લૅન્ડ (16.4 ઓવરમાં 103/10)ને 68 રનથી કચડીને ત્રીજી વાર આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે આવતીકાલે, શનિવારે (રાત્રે 8:00 વાગ્યાથી લાઈવ) ફાઇનલમાં ભારતની સાઉથ આફ્રિકા સાથે ટક્કર થશે. બંને ટીમ અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે.

ભારતે 2022ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં સહેવી પડેલી હારનો ઇંગ્લૅન્ડ સામે બદલો લઈ લીધો છે. સ્પિનર્સને વધુ માફક આવે એવી પિચ પર સ્પિનર સામે સારું રમવાની ભારતની ક્ષમતા દેખાઈ આવી અને બીજી તરફ ભારતીય સ્પિનર્સનો મુકાબલો કરવાની બ્રિટિશ ટીમની નિષ્ફળતા છતી થઈ ગઈ. ભારતના સ્પિનર્સ મૅચ-વિનર્સ સાબિત થયા, જયારે ટીમના કેપ્ટન જૉસ બટલરે સ્પિનર મોઈન અલીને બોલિંગ જ ન આપવાની મોટી ભૂલ કરી હતી.

2007નો પ્રથમ ટી-20 વર્લ્ડ કપ ભારતે એમએસ ધોનીની કેપ્ટ્ન્સીમાં જીતી લીધો ત્યાર બાદ 2014માં ફરી એક વાર માહીના જ સુકાનમાં ટાઈટલ જીતવાનો ભારતને સારો મોકો હતો, પરંતુ શ્રીલંકા સામે ભારતનો છ વિકેટે પરાજય થયો હતો. હવે 10 વર્ષે રોહિત શર્માની શાનદાર કેપ્ટન્સી ભારત ફરી ફાઇનલમાં પહોંચ્યું છે. ભારત છેલ્લે 11 વર્ષ પહેલાં મોટી આઈસીસી ટ્રોફી જીત્યું હતું. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચેમ્પિયન થયું હતું. જોકે હવે ટીમ ઇન્ડિયાને ટી-20 ફોર્મેટના વિશ્વ કપની બીજી ટ્રોફી (17 વર્ષે) જીતવાનો સુવર્ણ મોકો છે. સાઉથ આફ્રિકાને પહેલી જ વાર આઈસીસી વર્લ્ડ કપનો તાજ હાંસલ કરવાની તક છે.

રોહિત શર્મા (57 રન, 39 બૉલ, બે સિક્સર, છ ફોર), અક્ષર પટેલ (10 રન તથા 4-0-23-3) અને કુલદીપ યાદવ (4-0-19-3) ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલના ત્રણ હીરો હતા. ત્રણ-ત્રણ વિકેટ લેનાર અક્ષર અને કુલદીપનું લિઆમ લિવિંગસ્ટન (11)ને રનઆઉટ કરાવવામાં પણ સરખું યોગદાન હતું. જોકે ઇંગ્લૅન્ડના ટૉપ-ઑર્ડરને સાફ કરી નાખવા બદલ અક્ષરને મૅન ઑફ ધ મૅચના અવૉર્ડ માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો.

ઇંગ્લૅન્ડે 172 રનનો લક્ષ્યાંક મળ્યા પછી સાધારણ શરૂઆત કરી હતી. જોકે ચોથી જ ઓવરમાં મોરચા પર લાવવામાં આવેલા અક્ષર પટેલે કેપ્ટન જોસ બટલરની વિકેટ અપાવીને ઇંગ્લેન્ડની ટીમને પરાજય તરફ ધકેલવાનું શરૂ કરી દીધું હતું. અક્ષરે બટલરને વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચચાઉટ કરાવ્યો હતો. બીજા ડેન્જરસ ઓપનર ફિલ સોલ્ટ (5)ને જસપ્રીત બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ ઇંગ્લૅન્ડની ટીમનો સફાયો કરવાની જવાબદારી અક્ષર પટેલ અને કુલદીપ યાદવે ઉપાડી લીધી હતી. ટીમમાં ભારતને પડકારી શકે એવી એક પણ મોટી ભાગીદારી બ્રિટિશ ટીમમાં નહોતી થઈ શકી.
અક્ષરે કેપ્ટન જોસ બટલર (23 રન) ઉપરાંત મોઇન અલી (8) અને જૉની બેરસ્ટો (0)ને આઉટ કર્યા હતા.
કુલદીપે સૅમ કરૅન (2), હૅરી બ્રુક (25) અને ક્રિસ જૉર્ડન (1)ની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

16મી ઓવરમાં આદિલ રાશિદને સૂર્યકુમાર યાદવે ઍથ્લીટની સ્ટાઈલમાં રનઆઉટ કરીને બ્રિટિશ ટીમને મરણતોલ ફટકો માર્યો હતો. હાર્દિક પંડ્યાના બૉલમાં આદિલ શોર્ટ માર્યા પછી રન લેવા દોડ્યો, પરંતુ સૂર્યકુમારે ચપળતાથી દોડી આવીને લેફ્ટ-હૅન્ડરની માફક (રવીન્દ્ર જાડેજાની સ્ટાઈલમાં) બૅક-ફ્લિકની કરામતથી આદિલને રનઆઉટ કર્યો હતો.

બુમરાહે જોફરા આર્ચર (21 રન)ની અંતિમ વિકેટ સાથે આખી ઇનિંગ્સમાં 12 રનમાં બે વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ (2-0-17-0), રવીન્દ્ર જાડેજા (3-0-16-0) અને હાર્દિક પંડ્યા (1-0-14-0)ને વિકેટ નહોતી મળી, પરંતુ બ્રિટિશ બૅટર્સને અંકુશમાં રાખવામાં તેમનું પણ યોગદાન હતું. રિષભ પંતે બટલરનો સુંદર કૅચ પકડ્યો હતો અને મોઇન અલીને ધોનીની જેમ ચપળતાપૂર્વક સ્ટમ્પ-આઉટ કર્યો હતો.

એ પહેલાં, ભારતે સાત વિકટે જે 171 રન બનાવ્યા એમાં રોહિત શર્માના 57 રન ઉપરાંત સૂર્યકુમાર યાદવ (47 રન, 36 બૉલ, બે સિક્સર, ચાર ફોર), હાર્દિક પંડ્યા (23 રન, 13 બૉલ, બે સિક્સર, એક ફોર) અને રવીન્દ્ર જાડેજા (17 રન, 9 બૉલ, બે ફોર)નો મુખ્ય ફાળો હતો.

આ વર્લ્ડ કપમાં ઓપનિંગમાં રમીને સદંતર ફ્લોપ ગયેલો વિરાટ કોહલી ગુરુવારે નવ બૉલમાં એક સિકસરની મદદથી ફક્ત નવ રન બનાવીને પૅવિલિયન ભેગો થઈ ગયો હતો. રિષભ પંત માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે શિવમ દુબેએ ઝીરોમાં વિકેટ ગુમાવી હતી. પેસ બોલર ક્રિસ જોર્ડનને ત્રણ તેમ જ સ્પિનર આદિલ રાશિદ સહિત ચાર બોલરને એક-એક વિકેટ મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો