IND vs ENG: ભારતના આ ઇન ફોર્મ બેટ્સમેનને ઇંગ્લેન્ડ સામે તક નહીં મળે, જાણો શું છે કારણ
મુંબઈ: ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ફેબ્રુઆરીમાં શરુ થનાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયારીઓ શરુ કરી રહી છે. એ પહેલા ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે (IND vs ENG) ઘરઆંગણે 5 મેચની T20I સિરીઝ અને ૩ મેચની ODI સિરીઝ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી(Champions Trophy)ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. એવામાં અહેવાલ છે કે વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul)ઇંગ્લેન્ડ સામેની એક પણ સિરીઝમાં ટીમનો ભાગ નહીં હોય.
અહેવાલ મુજબ, કેએલ રાહુલને ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેએલ રાહુલ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમનો ભાગ હશે. જો કે BCCIએ હજુ સુધી સત્તાવાર રીતે ટીમની જાહેરાત નથી કરી. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં મોટા ભાગના ભારતીય બેટ્સમેને નિરાશ કર્યા હતા પરંતુ રાહુલે એકંદરે સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 10 ઇનિંગ્સમાં 30.66 ની સરેરાશથી 276 રન બનાવ્યા હતાં.
સેમસન અને પંત ઓપ્શન:
કેએલ રાહુલે 2023ના ODI વર્લ્ડ કપમાં પણ ભારત માટે વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેમની પાસેથી આવી જ ભૂમિકાની અપેક્ષા છે, પરંતુ ઋષભ પંત પણ ટીમમાં હશે ત્યારે વિકેટકીપરની ભૂમિકા કોણ ભજવશે તે એક મોટો પ્રશ્ન રહેશે. સંજુ સેમસન પણ વિકેટકીપર-બેટ્સમેન તરીકેનો ઓપ્શન હોઈ શકે છે.
Also read: ‘વિરાટ માટે હું ટીમ મેનેજમેન્ટ સાથે લડવા તૈયાર…’ આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વિરાટનો બચાવ કર્યો
રાહુલે ડ્રોપ લેવા કહ્યું!
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમશે જ્યારે બાકીની મેચો યજમાન દેશ પાકિસ્તાનમાં રમાશે. BCCIના એક સૂત્રના જણાવ્યા મુજબ કેલે રાહુલે ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી ડ્રોપ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા પોતાના ખેલાડીઓને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માંગે છે, આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ ઈંગ્લેન્ડ સામેની બંને સિરીઝમાં કેટલાક ખેલાડીઓને આરામ આપી શકે છે. કેએલ રાહુલ સિવાય અન્ય ખેલાડીઓને પણ આરામ આપવામાં આવી શકે છે.
IND vs ENG T20I series:
પહેલી T20I: 22 જાન્યુઆરી 2025, કોલકાતા (ઇડન ગાર્ડન્સ)
બીજી T20I: 25 જાન્યુઆરી 2025, ચેન્નઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ)
ત્રીજી T20I: 28 જાન્યુઆરી 2025, રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
ચોથી T20I: 31 જાન્યુઆરી 2025, પુણે (મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
પાંચમી T20I: 02 ફેબ્રુઆરી 2025, મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ)
IND vs ENG ODI Series:
પહેલી વનડે: 6 ફેબ્રુઆરી 2025, નાગપુર (વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
બીજી વનડે: 9 ફેબ્રુઆરી 2025, કટક (બારાબાતી સ્ટેડિયમ)
ત્રીજી વનડે: 12 ફેબ્રુઆરી 2025, અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)