જિતેશને લૉર્ડ્સમાં જવા ન મળ્યું, આ ખેલાડીની મદદ લેવી પડી…

લંડનઃ ભારત વતી નવ ટી-20 મૅચ રમી ચૂકેલા અને તાજેતરમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ને પહેલી વાર આઇપીએલનું ટાઇટલ અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર વિકેટકીપર-બૅટ્સમૅન જિતેશ શર્મા (Jitesh sharma)ને તાજેતરમાં લૉર્ડ્સમાં ખરાબ અનુભવ થયો હતો. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી રોમાંચક ટેસ્ટ (Test) જોવા માટે જિતેશ લૉર્ડ્સ (Lord’s)ના સ્ટેડિયમ ખાતે પહોંચ્યો ત્યારે સિક્યૉરિટી ગાર્ડે તેને અંદર જતા રોક્યો હતો.
વાત એવી છે કે ક્રિકેટમાંથી બ્રેક મળતાં જિતેશ વિદેશની ટૂર પર નીકળ્યો છે. તે જ્યારે લૉર્ડ્સ પર પહોંચ્યો ત્યારે સલામતી રક્ષકોએ તેને રોક્યો હતો. જિતેશે ત્યાં હાજર અધિકારીઓને વિનંતી કરી કે તે ભારતીય ક્રિકેટર છે અને ટીમ ઇન્ડિયા વતી રમી ચૂક્યો છે અને તેને અંદર જવાની છૂટ આપવામાં આવે એવી રિક્વેસ્ટ કરે છે. જોકે ગાર્ડ્સે તેને અંદર નહોતો જવા દીધો.
ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન દિનેશ કાર્તિક (Dinesh Karthik) આ સિરીઝમાં કૉમેન્ટેટર છે. જે દિવસે જિતેશ લૉર્ડ્સ પર આવ્યો ત્યારે કાર્તિક ફોન પર કોઈકની સાથે વાતચીત કરવા સ્ટેડિયમની બહાર આવ્યો હતો.
જિતેશે ત્યારે કાર્તિકને બોલાવવાની કોશિશ કરી, પરંતુ ભારે ભીડ હોવાને કારણે કાર્તિકનું ધ્યાન તેના પર નહોતું ગયું. ત્યાર બાદ કાર્તિક ફોન પરની વાતચીત પૂરી કરીને સ્ટેડિયમમાં અંદર ગયો ત્યારે જિતેશે તેને કૉલ કર્યો હતો અને બહાર બોલાવ્યો હતો. આટલા સંઘર્ષ બાદ જિતેશને છેવટે અંદર જવા મળ્યું હતું.
જિતેશે ભારત વતી નવ ટી-20માં કુલ 100 રન કરવા ઉપરાંત સ્ટમ્પ્સની પાછળથી ચાર શિકાર કર્યા છે. આઇપીએલમાં તે બેંગલૂરુ ઉપરાંત પંજાબ કિંગ્સ વતી પણ રમી ચૂક્યો છે. યોગાનુયોગ, ત્રીજી જૂને અમદાવાદમાં પંજાબ સામેની ફાઇનલમાં બેંગલૂરુએ છ રનથી વિજય મેળવીને 18 વર્ષમાં પહેલી વાર આઇપીએલનું ટાઇટલ જીતી લીધું હતું.