IND vs ENG Ranchi: બુમરાહ રાંચી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં, જાણો કોને મળી શકે છે ચાન્સ?
રાજકોટ: IND vs ENG 3rd Test ભારતે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનથી જોરદાર પછડાટ આપી છે. આ રીતે ટીમ ઈન્ડિયા 5 ટેસ્ટ મેચની સીરિઝમાં 2-1થી આગળ છે. બંને ટીમો વચ્ચે સીરિઝની ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. પરંતુ તે પહેલા મોટા એક સમાચાર બહાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય. (Jasprit Bumrah will not play in the Ranchi Test) એવું કહેવામાં આવી રહ્યું છે કે જસપ્રીત બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવશે. તેથી તે રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય.
જો કે, આ સીરિઝમાં જસપ્રિત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અત્યાર સુધી આ સીરિઝની પ્રથમ 3 ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે 13.64ની એવરેજથી 17 ઈંગ્લિશ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. પરંતુ જસપ્રીત બુમરાહ રાંચી ટેસ્ટમાં નહીં રમે. માનવામાં આવી રહ્યું છે કે રાંચી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ મુકેશ કુમાર અથવા આકાશ દીપને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું મુકેશ કુમાર કે આકાશ દીપ ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહની કમી પૂરી શકશે?
આ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં બેન સ્ટોક્સની આગેવાનીમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 28 રને હરાવ્યું હતું. પરંતુ આ પછી ભારતીય ટીમે શાનદાર કામ બેક કર્યું હતું. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતે અંગ્રેજોને 106 રને હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાઈ હતી. રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમે અંગ્રેજોને 434 રને હરાવ્યું હતું. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે. જો કે ભારતીય ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ રાંચી ટેસ્ટ જીતીને સીરિઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.