IND VS ENG: હીટમેનની સેન્ચુરી રંગ લાવી, બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ભવ્ય વિજય…
કટક (ઓડિશા): ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની બીજી મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. અહીંની મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 305 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટ અને જો રૂટે અડધી સદી ફટકારી હતી, જોકે, ભારતીય ટીમમાં હીટમેન રોહિત શર્મા અને શુભમન ગિલની આક્રમક બેટિંગને કારણે ભારત ઇંગ્લેન્ડ સામે ચાર વિકેટથી જીત્યું હતું. ત્રણ વન-ડે સિરીઝ પૈકી ભારતની જીત સાથે 2-0થી આગળ રહ્યું છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્વે રોહિત શર્માના આક્રમક પ્રદર્શન કરતા ભારતે મજબૂત પ્રદર્શન કર્યું છે. આજની વન-ડેમાં 600થી વધુ રન થયા હતા, જ્યારે આગામી ત્રીજી મેચ બારમી ફેબ્રુઆરીના અમદાવાદમાં રમાડવામાં આવશે.
Also read : આ દિગ્ગજ ભારતીય ક્રિકેટરે ડિવોર્સની અફવા વચ્ચે આપ્યું લોકોને લગ્નનું આમંત્રણ, ચાર દિવસ સુધી ચાલશે…
![](/wp-content/uploads/2025/02/hitman7.jpg)
રોહિત શર્માએ 90 બોલમાં 119 રનની આક્રમક ઈનિંગ રમ્યો
ભારતીય ટીમ નિર્ધારિત ટાર્ગેટ અચીવ કરવા આવતાની સાથે ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે મજબૂત પાયો નાખ્યો હતો. હીટમેન રોહિત શર્માએ આક્રમક રમત રમતા 76 બોલમાં સેન્ચુરી ફટકારી હતી, જેમાં સાત છગ્ગા અને નવ ચોગ્ગાનો સમાવેશ હતો. રોહિત શર્માએ લગભગ 16 મહિના પછી સેન્ચુરી ફટકારી હતી. જોકે, ભારતનો મજબૂત પાયો નાખવાની સાથે જીત તરફ લઈ જતા 220 રનના ભારતના સ્કોરે રોહિત શર્મા આઉટ થયો હતો. 90 બોલમાં સાત સિક્સર અને 12 ચોગ્ગા સાથે 119 રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. ભારતે છ વિકેટ ગુમાવ્યા પછી 305 રનનો સ્કોર 44.3 ઓવરમાં પૂરો કર્યો હતો. કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા દસ-દસ રનના સ્કોરે આઉટ થયા પછી રવિન્દ્ર જાડેજા (સાત બોલમાં 11 રન નોટઆઉટ) અને અક્ષર પટેલે (43 બોલમાં 41 રન) ભારતને જીતાડ્યાં હતા.
![](/wp-content/uploads/2025/02/hitman-2.jpg)
બાવન બોલમાં શુભમન ગિલે 60 રન ફટકાર્યા
ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમના મજબૂત પ્રદર્શન વચ્ચે પહેલી વિકેટ 136 રને પડી હતી, જ્યારે વિરાટ કોહલી પણ સસ્તામાં આઉટ થયો હતો. કોહલી આઠ બોલમાં પાંચ રન, શુભમન ગિલે પણ બાવન બોલમાં 60 રન ફટકાર્યા હતા. ભારતની ચોથી વિકેટ શ્રેયસ અય્યરની પડી હતી. 47 બોલમાં 44 રન ફટકારીને અય્યર રન આઉટ થયો હતો.
અગાઉ 11 ઓક્ટોબર 2023ના અફઘાનિસ્તાન સામે સેન્ચુરી મારી હતી, ત્યારે દિલ્હીમાં રમાયેલી વન-ડેમાં 131 રન ફટકાર્યા હતા. ફ્લડલાઈટ્સમાં ટાવર બંધ થવાને કારણે અવરોધ આવ્યો હતો, પણ પછી મેચ શરુ થઈ હતી. રોહિતે 30 બોલમાં ફિફ્ટી માર્યા હતા, જેમાં ચાર ચોગ્ગા અને ચાર સિક્સરનો સમાવેશ થયો હતો.
49.5 ઓવરમાં ઈંગ્લેન્ડે 304 રન બનાવ્યા હતા
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 49.5 ઓવરમાં 304 રન કર્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ફિલ સોલ્ટ અને બેન ડકેટે મળીને 10.5 ઓવરમાં 81 રનની ભાગીદારી કરી હતી. આ ઓપનિંગ ભાગીદારીનો અંત વરુણ ચક્રવર્તીએ કર્યો હતો. તેણે સોલ્ટને આઉટ કર્યો હતો. સોલ્ટે 29 બોલમાં 26 રન કર્યા હતા. ડકેટે 56 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 65 રન કર્યા હતા. તે જાડેજાનો શિકાર બન્યો હતો. બાદમા જો રૂટ અને હેરી બ્રુકે મળીને ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. બ્રુક 31 રન કરીને હર્ષિત રાણાની ઓવરમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. 168 રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડ્યા બાદ કેપ્ટન જોસ બટલર અને જો રૂટ વચ્ચે ચોથી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન રૂટે 60 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી.
Also read : ફ્લડ લાઈટને કારણે ઘાયલ થયો આ સ્ટાર ખેલાડી, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા સામે શંકા
![](/wp-content/uploads/2025/02/hitman-1-3-1024x576.jpg)
રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ વિકેટ ઝડપી હતી
હાર્દિક પંડ્યાએ બટલરને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. બટલરે બે ચોગ્ગાની મદદથી 34 રન કર્યા હતા. આ પછી રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડને બે મોટા ઝટકા આપ્યા. જાડેજાએ પહેલા જો રૂટને આઉટ કર્યો, ત્યાર બાદ જાડેજાએ જેમી ઓવરટનને શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો. જો રૂટે 72 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 69 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડે ગુસ એટકિન્સન (3), આદિલ રશીદ (14), લિયામ લિવિંગસ્ટોન (41) અને માર્ક વુડ (0) ની વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને હાર્દિક પંડ્યાને એક-એક વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડના ત્રણ બેટ્સમેન રન આઉટ થયા હતા.