IND vs ENG: કન્કશન સબસ્ટિટ્યુટ વિવાદ મુદ્દે હર્ષિત રાણાએ મૌન તોડ્યું; ટીકાકારોને આપ્યો વળતો જવાબ
મુંબઈ: ફાસ્ટ બોલર હર્ષિત રાણા માટે છેલ્લા કેટલાક મહિના શાનદાર રહ્યા છે, તેને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ તરફથી ડેબ્યુ કરવાનો તક મળી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચમાં ડેબ્યુ કરી રહેલા હર્ષિતે ત્રણ વિકેટ ઝડપી ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એવામાં, T20Iમાં હર્ષિતના ડેબ્યૂ ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
ઇંગ્લેન્ડ સામેની T20I સિરીઝની ચોથી મેચમાં હર્ષિતને અચાનક કોન્કશન સબસ્ટિટ્યુટ (Harshit Rana Concussion Substitute) તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, તેણે શિવમ દુબેનું સ્થાન લીધું હતું. ઇંગ્લેન્ડની ટીમ ઉપરાંત ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ આ ફેરફારની ટીકા કરી હતી, આ અંગે હર્ષિત રાણાએ પહેલીવાર નિવેદન આપ્યું છે.
હર્ષિતનો ટીકાકારોને જવાબ:
કોન્કશન સબસ્ટિટ્યુટના વિવાદ અંગે હર્ષિત રાણાએ કહ્યું કે લોકો હંમેશા વાતો કરતા રહે છે. હું આવા મુદ્દાઓ પર બિલકુલ ધ્યાન આપતો નથી. મારું કામ મેદાન પર સારું રમવાનું છે, જેથી હું ટીમ માટે કંઈક સારું કરી શકું. હું ફક્ત મારા દેશ માટે સારું પ્રદર્શન કરવા માંગુ છું અને મેદાન બહાર શું થઈ રહ્યું છે તેના પર હું ધ્યાન આપતો નથી.
હર્ષિતે ODI ડેબ્યૂ મેચના અનુભવ વિશે એમ પણ કહ્યું કે આ ફોર્મેટ થોડું મુશ્કેલ છે કારણ કે 10 ઓવર બોલિંગ કરવામાં ઘણા પડકારોનો હોય છે.
આ પણ વાંચો…રાત્રે મને રોહિતનો કૉલ આવ્યો એટલે હું પિક્ચર અધૂરું છોડીને સીધો સૂઈ જ ગયો: શ્રેયસ ઐયર
ભારતીય ટીમ તરફથી રમતા, હર્ષિત રાણા હવે ત્રણેય ફોર્મેટમાં પોતાની ડેબ્યૂ મેચમાં એક ઇનિંગમાં ત્રણ વિકેટ લેનાર ટીમ ઇન્ડિયાનો પ્રથમ બોલર બની ગયો છે. હર્ષિતે અત્યાર સુધી રમાયેલી 2 ટેસ્ટ મેચમાં 4 વિકેટ લીધી છે, જ્યારે તેણે એક ODI અને એક T20 મેચમાં 3-3 વિકેટ પણ લીધી છે. ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પછી, ટીમ ઈન્ડિયાએ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમવાનો છે, જસપ્રીત બુમરાહના બેકઅપ તરીકે હર્ષિતને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.