ટોપ ન્યૂઝસ્પોર્ટસ

પ્રથમ ટેસ્ટમાં ભારતની શર્મનાક હારઃ ઇંગ્લૅન્ડ 1-0…

લીડ્સઃ શુભમન ગિલના સુકાનમાં ભારતીય ટીમનો અહીં મંગળવારે શરમજનક પરાજય થયો હતો. ઇંગ્લૅન્ડે (ENGLAND) 371 રનનો પડકારરૂપ લક્ષ્યાંક પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો. એ સાથે, ભારતે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની નવી સીઝનમાં હાર સાથે આરંભ કર્યો છે, જ્યારે બ્રિટિશરોએ 373/5ના સ્કોર સાથે વિજય મેળવીને પાંચ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી છે. બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડે ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીની પ્રથમ મૅચ પોતાના નામે કરી લીધી.
બીજા દાવમાં બેન ડકેટ (149 રન) તેમ જ સૌથી અનુભવી બૅટ્સમૅન જૉ રૂટ (53 અણનમ), કૅપ્ટન બેન સ્ટૉક્સ (33 રન) અને વિકેટકીપર જૅમી સ્મિથ (44 અણનમ)ના સૌથી મોટા યોગદાન હતા. સ્મિથે વિનિંગ સિક્સર ફટકારી હતી.

ભારતીય ટીમમાં પહેલા દાવમાં ત્રણ અને બીજા દાવમાં બે એમ કુલ મળીને પાંચ સેન્ચુરી થઈ હોવા છતાં ભારતે પરાજય જોવો પડ્યો. ભારતની અસરહીન બોલિંગ પહેલી જ મૅચમાં ઉઘાડી પડી ગઈ. બેઉ દાવમાં ભારતે નીચલી હરોળમાં ધબડકો (પ્રથમ દાવમાં 41 રનમાં સાત વિકેટ અને બીજા દાવમાં 31 રનમાં છ વિકેટ) જોયો જે છેવટે પરાજય માટેનું મોટું કારણ બન્યો. ભારતીય (INDIA) ટીમે ઇન્ફૉર્મ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને અવગણીને ખાસ કરીને શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ પર ભરોસો રાખ્યો, પણ તેઓ મૅચમાં કુલ મળીને માંડ બે-બે વિકેટ લઈ શક્યા. શાર્દુલ બૅટિંગમાં પણ કામ ન લાગ્યો. તેણે મૅચમાં કુલ પાંચ જ રન કર્યા હતા. કરુણ નાયર પણ ફ્લૉપ રહ્યો અને તેના સ્થાને નીતીશ રેડ્ડીને લીધો હોત તો તે બોલિંગમાં પણ પાર્ટ-ટાઇમ બોલર તરીકે કામ લાગ્યો હોત.

પહેલા દાવમાં યશસ્વી, જાડેજાએ કુલ ચાર કૅચ છોડ્યા હતા. બુમરાહની બોલિંગમાં કૅચ છૂટ્યા એમ છતાં તેણે પાંચ વિકેટ લીધી હતી, પણ એ પર્ફોર્મન્સ પર પણ પાણી ફરી વળ્યું. રિષભ પંતની બન્ને દાવની સેન્ચુરી એળે ગઈ. મંગળવારે પણ યશસ્વીથી એક કૅચ છૂટ્યો હતો. કૅચ છોડવાની હારમાળાએ ભારતની હારને નોતરું આપી દીધું એમ કહીએ તો પણ ખોટું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button