ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારતે પહેલી વાર એજબૅસ્ટનનો ગઢ જીત્યોઃ ઇંગ્લૅન્ડને 336 રનથી કચડ્યું…

બર્મિંગમમાં 58 વર્ષે વિજય મેળવનારી પ્રથમ એશિયન ટીમઃ આકાશ દીપની 99 રનમાં છ વિકેટ, મૅચમાં કુલ 10 વિકેટ

એજબૅસ્ટનઃ ભારતે શુભમન ગિલની નવી કૅપ્ટન્સીમાં બર્મિંગમના એજબૅસ્ટનમાં પહેલી વાર ટેસ્ટમાં વિજય મેળવીને બ્રિટિશરોનું નાક કાપી નાખ્યું છે. ભારત (India) આ સ્થળે 58મે વર્ષે પ્રથમ વાર જીત મેળવી છે. બેન સ્ટૉક્સની ટીમ 608 રનના તોતિંગ લક્ષ્યાંક સામે 271 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારતનો 336 રનના વિક્રમજનક માર્જિનથી વિજય થયો હતો. જસપ્રીત બુમરાહના સ્થાને રમાડવામાં આવેલો આકાશ દીપ આ જીતનો સુપરસ્ટાર હતો. તેણે બીજા દાવમાં 99 રનમાં છ વિકેટ લીધી હતી. પ્રથમ દાવની ચાર વિકેટ ગણતાં તેણે મૅચમાં કુલ 10 વિકેટની વિરલ સિદ્ધિ મેળવી હતી. સુકાની ગિલ (269 રન અને 161 રન)નું પણ આ જીતમાં સૌથી મોટું યોગદાન હતું.

ભારત અને ઇંગ્લૅન્ડ (England) વચ્ચે 93 વર્ષથી ટેસ્ટ-ક્રિકેટ રમાય છે અને આ વખતની મૅચમાં જે કુલ 1,692 રન થયા એ આ બે દેશ વચ્ચેની પ્રત્યેક ટેસ્ટ-મૅચમાં થયેલા કુલ રનના રેકૉર્ડમાં હાઇએસ્ટ છે. વિદેશી ધરતી પર રનના માર્જિનની ગણતરીએ ભારતની આ સર્વશ્રેષ્ઠ જીત છે. આકાશ દીપ ઇંગ્લૅન્ડમાં એક ટેસ્ટ (Test)માં 10 વિકેટ લેનાર (39 વર્ષ પછીનો) બીજો ભારતીય બોલર બન્યો છે. તેણે ચેતન શર્માની બરાબરી કરી છે. ચેતન શર્માએ 1986માં એજબૅસ્ટનની જ ટેસ્ટમાં 188 રનમાં કુલ 10 વિકેટ લીધી હતી. આકાશે 10 વિકેટ 187 રનમાં મેળવી છે.

એજબૅસ્ટનમાં ભારત આ પહેલાં જે આઠ ટેસ્ટ રમ્યું હતું એમાંથી સાતમાં હાર્યું હતું અને એક ટેસ્ટ ડ્રૉ થઈ હતી. જોકે નવમી ટેસ્ટમાં ભારતે જીત હાંસલ કરી છે. પ્રથમ દાવમાં જૅમી સ્મિથ અને હૅરી બ્રૂક 303 રનની ભાગીદારી કરવામાં સફળ રહ્યા ત્યારે ભારતીય બોલર્સની ટીકા થઈ હતી અને કૅપ્ટન ગિલે બીજો દાવ (6/427) મોડો ડિક્લેર કર્યો એ વિશે પણ કેટલાકે ગિલને વખોડ્યો હતો, પણ ભારતે 608 રનનો અસંભવ લક્ષ્યાંક આપ્યો હતો અને રવિવારના નિર્ણાયક દિવસની શરૂઆતમાં વરસાદના લાંબા વિઘ્ન બાદ શરૂ થયેલી રમતમાં શરૂઆતથી છેક સુધી ભારતે બ્રિટિશ બૅટ્સમેનો પર સતતપણે માનસિક દબાણ જાળવી રાખીને તેમને અંકુશમાં રાખ્યા હતા અને બૅટ્સમૅનની આસપાસ ફીલ્ડર્સની જાળ બિછાવીને તેમને ભૂલ કરવા મજબૂર કર્યા હતા.

ઇંગ્લૅન્ડના બીજા દાવના 271 રનમાં જૅમી સ્મિથના 88 રન હાઇએસ્ટ હતા. પ્રથમ દાવના અણનમ 184 રન બાદ સ્મિથને સતત બીજી સદી ફટકારવાની તક હતી, પણ આકાશ દીપે તેને વૉશિંગ્ટન સુંદરના હાથમાં કૅચઆઉટ કરાવીને બ્રિટિશરોની ગાડીમાં પંક્ચર પાડી દીધું હતું અને મૅચને ડ્રૉમાં લઈ જવાની તેમની આશા પર પાણી ફેરવી દીધું હતું. બ્રાયડન કાર્સ (38 રન)ની પણ મહત્ત્વની વિકેટ આકાશે લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button