સ્પોર્ટસ

IND VS ENG: હાર્ટલીના તરખાટથી કરોડો ભારતીયોના હાર્ટ-બ્રેક

નવા સ્પિનર ટૉમ હાર્ટલીની સાત વિકેટના તરખાટથી ભારતીયો પહેલી ટેસ્ટ હાર્યા, ઑલી પૉપ મૅન ઑફ ધ મૅચ

હૈદરાબાદ: ઇંગ્લૅન્ડે રવિવારે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે ભારતીયોને તેમની જ ટર્નિંગ પિચ પરના રોમાંચક મુકાબલામાં 28 રનથી હરાવીને 1-0થી સરસાઈ લીધી હતી. ઇંગ્લૅન્ડની જે પણ ગ્રેટેસ્ટ વિક્ટરીઝ છે એમાં આ જીતનો ઉલ્લેખ અચૂક થશે. હૈદરાબાદના સ્ટેડિયમમાં બાર્મી આર્મીનો હર્ષોલ્લાસ ચરમસીમાએ હતો, જ્યારે ભારત-તરફી ક્રાઉડ સ્તબ્ધ હતું. ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ પ્રથમ દાવમાં 190 રનથી પાછળ રહ્યા પછીના થ્રિલરમાં વિજય મેળવીને જાણે ચમત્કાર કર્યો છે. ભારતમાં અગાઉ ક્યારેય કોઈ હરીફ ટીમ પહેલા દાવની આટલી મોટી સરસાઈ ઊતાર્યા પછી મૅચ જીતી શકી નહોતી, પરંતુ બેન સ્ટૉક્સની ટીમે એ કરી દેખાડ્યું છે.

પહેલી જ ટેસ્ટ રમનાર 24 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર ટૉમ હાર્ટલીએ બીજા દાવમાં 62 રનમાં સાત વિકેટ ઝડપીને ભારતને પરાજય તરફ ધકેલી દીધું હતું. 231 રનના સાધારણ લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડિયાનો દાવ 70મી ઓવરમાં (ચોથા દિવસની છેલ્લી ઓવરમાં) 202 રનના સ્કોરે ખતમ થઈ ગયો હતો. ટૉપ-ઑર્ડર સદંતર નિષ્ફળ ગયો હતો અને એકેય બૅટર 40 રન પણ નહોતો બનાવી શક્યો. ભારત માટે વધુ શરમજનક બાબત એ છે કે ટૉપ-ઑર્ડરમાં એક પણ મોટી પાર્ટનરશિપ નહોતી થઈ. આખી ટીમમાં 57 રનની સૌથી મોટી ભાગીદારી સ્પિનિંગ-ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્ર્વિન અને વિકેટકીપર કેએસ ભરત વચ્ચે થઈ હતી. બન્ને બૅટરે 28-28 રન બનાવ્યા હતા, પરંતુ બેઉને હાર્ટલીએ પોતાના સ્પિનની જાળમાં ફસાવ્યા હતા અને પૅવિલિયન ભેગા કર્યા હતા.


વિરાટ કોહલી પહેલી બે ટેસ્ટમાં નથી રમી રહ્યો એની સીધી વિપરીત અસર ભારતીય બૅટિંગ પર પડી હતી અને પ્રથમ દાવમાં 436 રનનો ઊંચો સ્કોર બનાવ્યા પછી પણ રોહિત શર્મા અને તેની ટીમ બીજા દાવમાં 231 રનનો ટાર્ગેટ પણ ન મેળવી શકી.


2013 પછી ઘરઆંગણે ભારતની આ ચોથો ટેસ્ટ-પરાજય છે. શનિવારે અને રવિવારે ઇંગ્લૅન્ડના વનડાઉન બૅટર ઑલી પૉપે (196 રન, 278 બૉલ, 373 મિનિટ, એકવીસ ફોર) ભારતીય બોલરોનો જેમાં ખાસ કરીને રવીન્દ્ર જાડેજા અને આર. અશ્ર્વિનનો જે પ્રભુત્વ સાથે સામનો કર્યો એની તુલનામાં રવિવારે ભારતના ટૉપ-ઑર્ડરના બૅટર્સ ટૉમ હાર્ટલી, જૅક લીચ અને જો રૂટ સહિતના પાંચ બોલર્સ સામે ઝૂકી ગયા હતા.


ઇંગ્લૅન્ડે પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા પછી ભારતે 436 રન બનાવીને 190 રનની લીડ લીધી હતી. બીજા દાવમાં ઇંગ્લૅન્ડની ટીમ ઑલી પૉપના લડાયક 196 રનની મદદથી 420 રન બનાવ્યા હતા. પૉપની એ ચોથી સેન્ચુરી હતી, પરંતુ વધુ એક ડબલ સેન્ચુરી ચાર રન માટે ચૂકી ગયો હતો.


ઑલી પૉપને યાદગાર 196 રન બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. જોકે ટૉમ હાર્ટલી સંયુક્ત પુરસ્કારનો દાવેદાર હતો એમ કહી શકાય.


પાંચ સિરીઝમાં બીજી ટેસ્ટ બીજી ફેબ્રુઆરીથી વિશાખાપટનમમાં રમાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button