
રાંચી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ આજથી રાંચીમાં શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસે લંચ બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. ભારત તરફથી ડેબ્યુ કરી રેહેલા ફાસ્ટ બોલર આકાશ દીપે શાનદાર બોલિંગ કરી ત્રણ વિકેટ લીધી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી. આકાશે તેની બીજી ઓવરમાં જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. જો કે, તે બોલ નો બોલ નીકળ્યો. જોકે, આકાશે હાર ન માની અને પછી તેણે બેન ડકેટને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ કરાવ્યો. ડકેટ 11 રન બનાવી આઉટ થયો. આ પછી આકાશે એ જ ઓવરમાં ઓલી પોપને LBW આઉટ કર્યો હતો. પોપ ખાતું પણ ખોલી ન શક્યો. એક ઓવરમાં બે વિકેટ પડી જતાં ઇંગ્લિશ ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી.
ત્યાર બાદ આકાશે ક્રાઉલીને ફરીથી ક્લીન બોલ્ડ કર્યો. ક્રાઉલી 42 રન બનાવી આઉટ થયો. આકાશના આક્રમણ બાદ સ્પિનરોએ મોરચો સંભાળ્યો. અશ્વિને જોની બેયરસ્ટો અને રવિન્દ્ર જાડેજાએ બેન સ્ટોક્સને આઉટ કર્યો, બેયરસ્ટો 38 રન અને સ્ટોક્સ ત્રણ રન બનાવી શક્યા હતા. સ્ટોક્સ આઉટ થતાં જ લંચની જાહેરાત કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડની અડધી પરત પેવેલિયન પહોંચી ગઈ છે.
ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને અજેય લીડ મેળવવાના ઈરાદા સાથે રમી રહી છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. આ પછી વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં ભારતીય ટીમનો વિજય થયો હતો.