ગુરુવારથી ત્રીજી ટેસ્ટઃ લૉર્ડ્સમાં ભારતનો રેકૉર્ડ ખરાબ, પણ સરસાઈ શક્ય છે, જાણો કેવી રીતે…

લૉર્ડ્સઃ ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સ (LORD’S)માં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ગુરુવાર, 10મી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી) ત્રીજી ટેસ્ટ શરૂ થશે અને એ જીતીને શુભમન ગિલની ટીમ 2-1થી સરસાઈ મેળવી શકશે. આમ તો આ ઐતિહાસિક મેદાન પર ભારત (India)નો રેકૉર્ડ બહુ ખરાબ છે, પરંતુ 19માંથી ભારત જે ત્રણ ટેસ્ટ જીત્યું છે એ ત્રણેયમાં વિજય મેળવવાની સાથે ભારતે સંબંધિત સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી. આ વખતે ટીમ ઇન્ડિયાને 1-1ની બરાબરી બાદ હવે લૉર્ડસમાં જીતીને 2-1થી સરસાઈ લેવાનો મોકો છે.
ભારત 1932ની સાલથી ટેસ્ટ-ક્રિકેટ રમે છે અને 1932માં ભારત પોતાની સૌપ્રથમ ટેસ્ટ લૉર્ડ્સમાં જ રમ્યું હતું જેમાં સી. કે. નાયુડુના સુકાનમાં ભારતનો ઇંગ્લૅન્ડના ડગ્લાસ જાર્ડિનની ટીમ સામે 158 રનથી પરાજય થયો હતો. એકંદરે, લૉર્ડ્સમાં ભારતની 19 ટેસ્ટ રમાઈ છે જેમાંથી ત્રણ મૅચમાં ભારતનો અને 12 મૅચમાં ઇંગ્લૅન્ડ (England)નો વિજય થયો છે. બાકીની ચાર મૅચ ડ્રૉમાં ગઈ છે.
લૉર્ડ્સમાં ભારત 19માંથી જે ત્રણ ટેસ્ટ જીત્યું છે એ ત્રણેય મૅચ (1986, 2014 અને 2021)ના વિજય વખતે ભારતે સંબંધિત શ્રેણીમાં સરસાઈ મેળવી હતી. પહેલી વાર 1986માં કપિલ દેવના સુકાનમાં ભારતે ડેવિડ ગૉવરની ટીમને પાંચ વિકેટે હરાવીને ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ લીધી હતી.
2014માં (28 વર્ષે) ભારતે લૉર્ડ્સમાં એમએસ ધોનીના સુકાનમાં ઍલસ્ટર કૂકની ટીમ સામે 95 રનથી વિજય મેળવીને પાંચ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી હતી. ત્યાર બાદ છેલ્લે 2021માં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે લૉર્ડ્સમાં જૉ રૂટની ટીમને 151 રનથી પરાજિત કરીને પાંચ મૅચની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી.
આ વખતે ભારતને 2-1થી સરસાઈ લેવાનો બહુ સારો મોકો છે એના કેટલાક મુખ્ય કારણો છે. કૅપ્ટન શુભમન ગિલ બીજી ટેસ્ટમાં ડબલ સેન્ચુરી અને સેન્ચુરી ફટકારીને જબરદસ્ત ફૉર્મમાં છે. વાઇસ-કૅપ્ટન રિષભ પંત તેમ જ કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, રવીન્દ્ર જાડેજા પણ બ્રિટિશ બોલર્સને ફરી ભારે પડી શકે એમ છે.
ટેસ્ટનો વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ સઘન પ્રૅક્ટિસ કરી રહ્યો છે અને બ્રિટિશ બૅટ્સમેનો લૉર્ડ્સમાં તેના કમબૅક પહેલાં જરૂર ગભરાતા હશે અને તેનો સામનો કરવા નવી યોજના વિચારતા હશે. આકાશ દીપ તથા મોહમ્મદ સિરાજ બીજી ટેસ્ટમાં અનુક્રમે કુલ 10 વિકેટ અને સાત વિકેટ લઈને ખૂબ સફળ રહ્યા એ જોતાં આ ત્રણ ફાસ્ટ બોલર ઉપરાંત અર્શદીપ સિંહનો ટીમમાં ચાન્સ લાગવો મુશ્કેલ છે. જોકે ચાર ફાસ્ટ બોલરનો આતંક બ્રિટિશ ટીમની છાવણીમાં હાહાકાર મચાવી શકે.
સ્પિનર્સમાં રવીન્દ્ર જાડેજા ખાસ કરીને ઑલરાઉન્ડર તરીકે ફરી ટીમને ઉપયોગી થઈ શકે, જ્યારે વૉશિંગ્ટન સુંદરે બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં 117 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને (ગિલને લાંબો સમય સાથ આપીને) બહુમૂલ્ય 42 રન કર્યા હતા એટલે બૅટિંગમાં ડેપ્થ જાળવી રાખવા તેના ફરી સમાવેશની સંભાવના નકારી ન શકાય. અસરદાર લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવનો ચાન્સ આ વખતે લાગશે કે નહીં એ ચર્ચાનો વિષય છે.