સ્પોર્ટસ

IND vs ENG 3rd ODI: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે કે સ્પિનર્સને મદદ મળશે? જાણો પિચ રિપોર્ટ અને વેધર રીપોર્ટ

અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ODI મેચની સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (IND vs ENG 3rd ODI, Ahmedabad) રમાશે. ભારતીય ટીમે સિરીઝની પહેલી બે મેચ જીતીને સિરીઝ જીતી લીધી છે, માટે આ મેચના પરિણામની સિરીઝ પર અસર નહીં થાય, પરંતુ આજે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ કરવાના ઈરાદે મેદાને ઉતરશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા છેલ્લી ODI મેચ હોવાને કારણે ઇંગ્લેન્ડની ટીમ જીત મેળવીને આત્મવિશ્વાસ પરત મેળવવા પુરેપુરો પ્રયત્ન કરશે. એવામાં દર્શકોને આજે એક રોમાંચક મેચ જોવા મળી શકે છે.

ભારતીય ટીમે સિરીઝની પહેલી બંને મેચ ચાર વિકેટે જતી હતી. ભારતીય ટીમે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ ત્રણેયમાં સારું પ્રદર્શન કર્યું છે. આજે ભારતીય ટીમના પ્રદર્શન પર સૌનું ધ્યાન રહેશે, ખાસ કરીને વિરાટ કોહલીના પ્રદર્શન પર, ચાહકોને વિરાટથી મોટી ઇનિંગની આશા છે. ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમોએ મંગળવારે પ્રેક્ટિસ કરી ન હતી કારણ કે તેઓ ત્રીજી વનડે ફ્રેશ રહીને રમવા માંગે છે.

પિચ કોને મદદરૂપ થશે?
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સ્પિન ફ્રેન્ડલી રહે છે. જોકે, છેલ્લી કેટલાક મેચમાં જોવા મળ્યું છે કે પિચ બેટર્સ માટે અનુકુળ રહે છે. અગાઉ આ મેદાન પર ઘણી હાઇ સ્કોરિંગ મેચ જોવા મળી છે. આજે પણ ચોગ્ગા છગ્ગાનો વરસાદ થઇ શકે છે.

સ્ટેડિયમમાં રેકોર્ડ્સ:
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 31 ODI મેચ રમાઈ છે. જેમાંથી, પ્રથમ બેટિંગ કરનારી ટીમે 15 વખત જીત મેળવી છે, જ્યારે ટાર્ગેટ ચેઝ કરત ટીમે 16 વખત જીત મેળવી છે. છેલ્લી 5 મેચોમાં, રન ચેઝ કરતી ટીમે ચાર વખત જીત મેળવી છે. 31 મેચમાંથી, ટોસ જીતનાર ટીમે 18 વખત મેચ જીતી છે. જોકે, છેલ્લા 10 મેચોમાં, ટોસ હારનાર ટીમે 6 મેચ જીતી છે.

Also read: IPL 2025: ગુજરાત ટાઈટન્સને મળશે નવા માલિક? અમદાવાદની કંપની ખરીદશે 67 ટકા હિસ્સો

અમદાવાદમાં પ્રથમ ઇનિંગ્સનો એવરેજ સ્કોર 243 રન છે. આ મેદાન પર સૌથી મોટો ટોટલ દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2010 માં બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની મેચમાં માત્ર બે વિકેટ ગુમાવીને 365 રન ખડક્યા હતાં, જ્યારે સૌથી ઓછો સ્કોર ઝિમ્બાબ્વેએ 2006 માં વેસ્ટ ઇન્ડીઝ સામે બનાવ્યો હતો. ઝિમ્બાબ્વે 85 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી.

આ મેદાન પર બંને ટીમોનું પ્રદર્શન:
ભારતીય ટીમે આ મેદાન પર પહેલી ODI મેચ વર્ષ 1984માં રમી હતી, છેલ્લે ભારતીય ટીમ નવેમ્બર 2023માં આ મેદાન પર રમી હતી, આ મેચ ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટથી હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. ઇંગ્લેન્ડે આ મેદાન પર 4 ODI મેચ રમી છે, જેમાં ટીને 1 મેચ જીતી છે અને 3 મેચમાં હાર મળી છે.

વેધર રીપોર્ટ:
ત્રીજી ODI મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થવાની છે. અહેવાલ મુજબ આજે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી. આકાશ એકદમ સ્વચ્છ રહેશે. આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની ધારણા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button