ભારતીય ટીમે બીજી ટેસ્ટ માટે કઈ કચાશ દૂર કરવા ખૂબ પ્રૅક્ટિસ કરી?
લીડ્સની ટેસ્ટમાં 220 રન આપનાર પેસ બોલરે કંગાળ પર્ફોર્મન્સની જવાબદારી સ્વીકારતા કહ્યું, ` હવે સારું રમી બતાડીશ'

બર્મિંગહૅમઃ અહીં એજબૅસ્ટનમાં બુધવાર, બીજી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી) ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી બીજી ટેસ્ટ મૅચ માટે ભારતીય ખેલાડીઓ પૂર્વતૈયારીઓ કરવામાં ખૂબ મહેનત કરી રહ્યા છે અને એમાંની એક ખાસ પૂર્વ તૈયારી નીચલા ક્રમના બૅટ્સમેનોની બૅટિંગને લગતી છે જે બાબતમાં પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (PRASIDH KRISHNA)એ કહ્યું છે કે ` બીજી ટેસ્ટમાં અમે નીચલી હરોળના બૅટ્સમેનો બૅટિંગ (LOWER ORDER BATSMEN)માં સારો પર્ફોર્મન્સ આપી શકીએ એ માટે નેટમાં અમે ખૂબ મહેનત કરી છે.’ ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના બૅનરમાં રમાતી સિરીઝમાં કુલ પાંચ ટેસ્ટ રમાશે. લીડ્સની પ્રથમ ટેસ્ટમાં ભારતના બન્ને દાવ મળીને કુલ પાંચ સેન્ચુરી થઈ હતી છતાં ભારતનો પરાજય થયો જે અણગમતો વર્લ્ડ રેકૉર્ડ છે. બેઉ દાવ મળીને કુલ 835 રન કરવા છતાં ઇંગ્લૅન્ડે (ENGLAND) ભારતને પરાજિત કરીને સિરીઝમાં 1-0થી સરસાઈ લઈ લીધી.
બન્ને દાવમાં લોઅર ઑર્ડર સાવ ફ્લૉપ
લીડ્સમાં ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ભારતનો સ્કોર એક તબક્કે 3/430 હતો, પણ પછીની સાત વિકેટ માત્ર 41 રનમાં પડી હતી. બીજા દાવમાં એક તબક્કે સ્કોર 4/333 હતો અને બાકીની છ વિકેટ 31 રનમાં પડી ગઈ હતી. પહેલા દાવમાં ભારતે 471 રન અને બીજા દાવમાં 364 રન કર્યા હતા. ખાસ કરીને બીજા દાવમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના શૂન્યમાં આઉટ થયા હતા. બન્ને દાવમાં પૂછડિયા બૅટસમેન ઉપરાંત મિડલ-ઑર્ડરના બે બૅટ્સમેન પણ સારું નહોતા રમ્યા. પહેલી અને બીજી ઇનિંગ્સમાં છેલ્લા છ-છ બૅટસમેનના સ્કોર આ મુજબ હતાઃ કરુણ નાયર (0 અને 20 રન), રવીન્દ્ર જાડેજા (11 રન અને પચીસ અણનમ), શાર્દુલ ઠાકુર (1 રન અને 4 રન), જસપ્રીત બુમરાહ (0 અને 0), મોહમ્મદ સિરાજ (3 અણનમ અને 0), પ્રસિદ્ધ ક્રિષ્ના (1 રન અને 0).
અમે હવે સમજીને બૅટિંગ કરીશુંઃ ક્રિષ્ના
ક્રિષ્નાએ નેટ સેશન (NET SESSION) વિશે પત્રકારોને એવું પણ કહ્યું હતું કે ` અમે વધુ સમજદારીથી બૅટિંગ કરવા મક્કમ છીએ અને એ માટે અમે ખૂબ પ્રૅક્ટિસ કરી રહ્યા છીએ. અમને નીચલા ક્રમના બૅટ્સમેનને ખાતરી છે કે અમે બૅટિંગ સુધારી શકીશું. અમે નક્કી કર્યું છે કે સમજીને રમવું, વધુ સમય ક્રીઝમાં ટકી રહેવું અને બને એટલા રન બનાવવા.’
ગિલની કૅપ્ટન્સીની પ્રશંસામાં શું કહ્યું?
પ્રસિદ્ધ ક્રિષ્નાએ પત્રકારોને શુભમન ગિલ વિશેના સવાલના જવાબમાં કહ્યું, ` તેણે કૅપ્ટન્સી બહુ સારી રીતે સંભાળી. આપણે સૌએ જોયું કે તેણે બોલિંગમાં સારા ફેરફારો કર્યા હતા. દરેક બોલરને પૂરતો બે્રક મળે એની તેણે તકેદારી રાખી હતી અને યોગ્ય સમયે યોગ્ય બોલરને તે મોરચા પર લાવ્યો હતો.’
આઇપીએલના સુપરસ્ટારે આપ્યા 220 રન
આ વખતની આઇપીએલમાં સૌથી વધુ પચીસ વિકેટ લઈને પર્પલ કૅપ’ જીતી લેનાર પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની બોલિંગમાં બન્ને દાવ મળીને કુલ 220 રન થયા હતા. પહેલા દાવમાં તેને ત્રણ વિકેટ 128 રનના ખર્ચે અને બીજા દાવમાં બે વિકેટ 92 રનના ખર્ચે મળી હતી. ખુદ ક્રિષ્નાએ શનિવારે પત્રકારોને કહ્યું, હું સતતપણે યોગ્ય લેન્ગ્થમાં બોલિંગ ન કરી શક્યો એનું મને દુઃખ છે. હું કબૂલ કરું છું, એમાં હું નિષ્ફળ રહ્યો. પહેલા દાવમાં મારે જેવા શૉર્ટ બૉલ ફેંકવા જોઈતા હતા એવા નહોતો ફેંકી શક્યો. ઘણી વાર વધુ પડતા શૉર્ટ બૉલ ફેંક્યા હતા. છથી આઠ શૉર્ટ બૉલ યોગ્ય કહેવાય, પણ એવું નહોતું થયું. હું સ્વીકારું છું કે ઘણી વાર મારી લાઇન અને લેન્ગ્થ પરફેક્ટ નહોતી. મને એ જ ભારે પડ્યું. બીજા દાવમાં મારે વધુ સારી લેન્ગ્થમાં બોલિંગ કરવી જોઈતી હતી. હું ભૂલ સ્વીકારું છું. હવે પછી સારી બોલિંગ કરીશ.’ ક્રિષ્નાએ પ્રથમ દાવમાં ઑલી પૉપ (106), હૅરી બ્રૂક (99) અને જૅમી સ્મિથ (40)ની વિકેટ લીધી હતી. બીજા દાવમાં તેને ઝૅક ક્રૉવ્લી (65) અને ઑલી પૉપ (8)ની વિકેટ મળી હતી.