સ્પોર્ટસ

148 વર્ષના ટેસ્ટ-ઇતિહાસમાં ગિલનો અનોખો વર્લ્ડ રેકૉર્ડ…

ગૂચની બરાબરીમાં પણ થયો, ગાવસકરનો વિક્રમ પણ તોડ્યો: 608 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લૅન્ડના 3/72

એજબૅસ્ટનઃ શુભમન ગિલ (Shubhman Gill) ભારતની ટેસ્ટ ટીમનું સુકાન સંભાળતાની સાથે જ એક પછી એક વિક્રમ કરી રહ્યો છે. શનિવારે તે 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો એવો પ્રથમ બૅટ્સમૅન બન્યો જેણે એક જ ટેસ્ટમાં ડબલ સેન્ચુરી અને 150-પ્લસ રન કર્યા છે. આ પહેલાં કોઈ પણ દેશના કોઈ પણ મહાન ખેલાડીથી આ સિદ્ધિ હાંસલ નહોતી થઈ શકી જે પચીસ વર્ષના ગિલે મેળવી છે.

ગિલે વર્તમાન ટેસ્ટના પહેલા દાવમાં 269 રન કર્યા બાદ શનિવારે બીજા દાવમાં 243 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને આઠ સિક્સર તથા તેર ફોરની મદદથી 162 બૉલમાં 161 રન કર્યા હતા. 99.38 તેનો સ્ટ્રાઇક-રેટ હતો. ભારતે ઇંગ્લૅન્ડ (England)ને 608 રનનો લક્ષ્યાંક આપ્યો છે અને ચોથા દિવસની રમતને અંતે એનો સ્કોર 3/72 હતો. બે વિકેટ આકાશ દીપે અને એક વિકેટ સિરાજે લીધી હતી. બ્રુક 15 રને અને ઑલી પૉપ 24 રને દાવમાં હતો.

BCCI

ભારતે (India) બીજો દાવ 6/427ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો.
ગિલે શનિવારે વાઇસ-કૅપ્ટન રિષભ પંત (65 રન, 58 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) સાથે ચોથી વિકેટ માટે 110 રનની અને પાંચમી વિકેટ માટે રવીન્દ્ર જાડેજા (69 અણનમ, 118 બૉલ, 135 મિનિટ, એક સિક્સર, પાંચ ફોર) સાથે 175 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. ભારતના બૅટ્સમેનો યજમાન ટીમને બને એટલો મોટો લક્ષ્યાંક આપી શકાય એ માટે ફટકાબાજીથી રનમશીનને વેગ આપતા રહ્યા હતા. એ પહેલાં, કે. એલ. રાહુલ પંચાવન રન, કરુણ નાયર 26 રન કરીને આઉટ થયો હતો. યશસ્વીએ 28 રન કર્યા હતા, જ્યારે નીતીશ રેડ્ડી બીજા દાવમાં પણ એક રન બનાવીને આઉટ થયો હતો. પેસ બોલર જૉશ ટન્ગ બે વિકેટ અને સ્પિનર શોએબ બશીરે ગિલ સહિત કુલ બે વિકેટ લીધી હતી.

ગિલ બે રીતે ગૂચ પછી બીજા ક્રમે
શુભમન ગિલ એક જ ટેસ્ટ (test)માં ડબલ સેન્ચુરી અને સેન્ચુરી ફટકારનાર ઇંગ્લૅન્ડના ગ્રેહામ ગૂચ (ભારત સામે 1990માં લૉર્ડ્સમાં 333 અને 123 રન) પછીનો વિશ્વનો બીજો કૅપ્ટન બન્યો છે. એક જ ટેસ્ટમાં સૌથી વધુ વ્યક્તિગત રન બનાવનારાઓમાં પણ ગૂચ પછી ગિલ બીજા સ્થાને છે. ગૂચે 1990ની ભારત સામેની ટેસ્ટમાં કુલ 456 રન કર્યા હતા અને ગિલે વર્તમાન ટેસ્ટમાં કુલ 430 રન કર્યા છે.

ગિલ એક જ ટેસ્ટમાં 400 રન બનાવનાર પ્રથમ ભારતીય છે. તેણે સુનીલ ગાવસકરનો વિક્રમ તોડ્યો છે. ગાવસકરે 1971માં પોર્ટ ઑફ સ્પેન ટેસ્ટમાં કુલ 344 રન કર્યા હતા અને 54 વર્ષ જૂનો એ ભારતીય વિક્રમ ગિલ તોડ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button