ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND Vs ENG 1st ODI: કેએલ રાહુલ કે ઋષભ પંત, આજે કોને મળશે સ્થાન? આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11

નાગપુર: ભારતીય ક્રિકેટ ટીમ ઘણા લાંબા સમય બાદ આજે વન ડે ઇન્ટરનેશનલ મેચ રમશે, છેલ્લે ટીમ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં શ્રીલંકા સામે ODI મેચ રમી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની સિરીઝની પહેલી મેચ આજે ગુરુવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન(VCA) સ્ટેડિયમ ખાતે (IND vs ENG 1st ODI) રમાશે. આ મેચમાં ભારતીય સ્ટાર ખેલાડીઓ ફરી ODI ક્રિકેટ રમતા જોવા મળશે. આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11 ટીમની જાહેરાત થઈ ગઈ છે. જ્યારે ભારતીય પ્લેઇંગ-11ની જાહેરાત (Indian Playing-11 Team) ટોસ સમયે કરવામાં આવશે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા નાગપુર વનડે માટે પ્લેઇંગ-11 વધુ ફેરફાર નહીં કરે. આજની મેચ માટે ટોચના 6 બેટ્સમેન 2023ના વર્લ્ડ કપ ટીમમાં હતા એ જ હોઈ શકે છે. વિકેટકીપરને બાબતે સસ્પેન્સ રહેશે, જેના માટે કેએલ રાહુલ અથવા ઋષભ પંત બેમાંથી કોઈ એકને જ સ્થાન મળશે.

કેએલ રાહુલ કે ઋષભ પંત?
2023ના વર્લ્ડ કપ દરમિયાન ઋષભ પંતની ગેરહાજરીમાં વિકેટકીપિંગની જવાબદારી કેએલ રાહુલે સંભાળી હતી. તેણે સારું પ્રદર્શન કર્યું, તેણે 452 રન બનાવ્યા અને મિડલ ઓર્ડરને સ્થિરતા આપી હતી. પરંતુ મિડલ ઓવરોમાં તેનું સ્ટ્રાઇક રોટેશન ચિંતાનો વિષય છે. ઋષભ પંતની ઓળખ આક્રમક બેટર તરીકેની છે, તેની પાસે મેચનું પાસુ પલટવાની ક્ષમતા છે.

શ્રેયસ ઐયરને બહાર રાખી શકાય?
ભારતીય ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલ અને ઋષભ પંત બંનેને સ્થાન આપી શકે છે, એવું થશે તો શ્રેયસ ઐયરને બહાર રાખવો પડેશે. શ્રીલંકા સામેની સીરીઝમાં શ્રેયસનું પ્રદર્શન સારું ન હતું રહ્યું, શ્રેયસ ઐયરનો વનડેમાં ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે અને ડોમેસ્ટિક સર્કિટમાં સારું ક્રિકેટ રમી રહ્યો છે, તે અગાઉ મેચ વિનર સાબિત થયો છે. તેમને બહાર રાખવાનો નિર્ણય મુશ્કેલ હશે.

શમીનું કમબેક:
ભારતનો મેચ વિનર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલ ઈજાગ્રસ્ત છે, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા BCCI જસપ્રીત બુમરાહ અંગે જોખમ નથી લેવા ઈચ્છતું. મોહમ્મદ શમીની ટીમમાં પરત ફરશે એ નક્કી છે, તેની ફિટનેસ પર પણ નજર રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં વરુણ ચક્રવર્તીને સામેલ કરવાનો ટીમ મેનેજમેન્ટનો ઈરાદો હોય, તો આજે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં તેને સ્થાન મળી શકે છે.

સ્પિનર ઓપ્શન:
નાગપુર સ્ટેડિયમનું આઉટફિલ્ડ ઘણું મોટું છે. ઉપરાંત, પીચમાંથી સ્લો-ટર્ન મળે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં, કેપ્ટન રોહિત પ્લેઇંગ-11માં ત્રણ સ્પિનરોને સ્થાન આપી શકે છે. કુલદીપ યાદવનું સ્થાન લગભગ નિશ્ચિત છે. જ્યારે બાકીના બે સ્થાનો માટે, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલમાંથી કોઈપણ બેને સ્થાન મળી શકે છે.

આ પણ વાંચો…નાગપુરમાં છ વર્ષે વન-ડેનું કમબૅકઃ કોહલી ફરી હીરો બનશે?

ભારતની સંભવિત પ્લેઇંગ-11:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ/ઋષભ પંત, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11
બેન ડકેટ, ફિલ સોલ્ટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button