રવિવારે ભારત-બાંગ્લાદેશની પ્રથમ ટી-20: ભારત 14-1થી આગળ…
જાડેજાના સ્થાને કોણ?: ગ્વાલિયરમાં સાંજે 7.00 વાગ્યાથી સિરીઝનો પ્રથમ જંગ
ગ્વાલિયર: અહીં રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની પ્રથમ ટી-20 મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે.
આ મૅચ માટેના સ્પિનરના સ્થાન માટે મોટી હરીફાઈ જોવા મળશે. કારણ એ છે રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને તેનું સ્થાન લેવા માટે ટીમમાં ત્રણ સ્પિનર વચ્ચે હરીફાઈ થશે.
રવિ બિશ્નોઈ, વૉશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તી આ મૅચની ઇલેવનમાં સ્થાન મેળવવાની આશા રાખીને બેઠા હશે.
લાઇક ફૉર લાઇક વિકલ્પ એટલે કે જાડેજાની જેમ ઑલરાઉન્ડ પર્ફોર્મ કરી શકે એવા આ ત્રણ પ્લેયરમાં માત્ર વૉશિંગ્ટન સુંદરની ગણના થઈ શકે. જોકે હાલમાં ભારતીય ટીમમાં ઘણા ઑલરાઉન્ડર્સ છે એટલે ટીમ-મૅનેજમેન્ટ કદાચ સ્પેશિયલ સ્પિનરને જ લેવાનું પસંદ કરશે.
ત્રણેયમાં વૉશિંગ્ટન સુંદર બૅટિંગમાં સારો છે. તેની જેમ બિશ્નોઈ પણ પાવરપ્લેમાં અસરદાર બોલિંગ કરી શકે છે, જ્યારે વરુણ ચક્રવર્તીને આઇપીએલમાંના પર્ફોર્મન્સને કારણે સિલેક્ટરોએ પસંદ કર્યો છે.
ટી-20માં ભારતનો બાંગ્લાદેશ સામે હાથ ઉપર છે. 14માંથી 13 મૅચ ભારતે અને એક મૅચ બાંગ્લાદેશે જીતી છે.
ભારત છેલ્લે નવેમ્બર, 2019માં દિલ્હીમાં બાંગ્લાદેશ સામે હાર્યું હતું. ત્યાર પછીની તમામ પાંચ ટી-20માં ભારતે જીત મેળવી છે.
છેલ્લે જૂન, 2024માં વેસ્ટ ઇન્ડિઝમાં ભારતે બાંગ્લાદેશને ટી-20 વર્લ્ડ કપના મુકાબલામાં 50 રનથી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાએ સુપર-એઇટ મૅચમાં અણનમ 50 રન બનાવ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી. તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો. કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
બન્ને દેશની ટીમ:
ભારત: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, સંજુ સૅમસન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), રિન્કુ સિંહ, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને મયંક યાદવ.
બાંગ્લાદેશ: નજમુલ શૅન્ટો (કૅપ્ટન), જાકર અલી, લિટન દાસ (વિકેટકીપર), પરવેઝ એમોન, તેન્ઝિદ હસન, તૌહિદ રિદોય, મેહદી હસન, મહમુદુલ્લા, મેહદી હસન મિરાઝ, મુસ્તફિઝુર રહમાન, રકિબુલ હસન, રિશાદ હોસૈન, શૉરિફુલ ઇસ્લામ, તેન્ઝિમ સાકિબ અને તાસ્કિન એહમદ.