IND vs BAN 1st test: અશ્વિનને ગણાવ્યો ‘બાંગ્લાદેશનો બાપ’ , વિરાટ-રોહિત ટ્રોલ થયા, સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
ચેન્નઈમાં રમાઈ રહેલી ભારત-બાંગ્લાદેશની પ્રથમ ટેસ્ટ મેચ(IND vs BAN 1st Test)માં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 376 રન બનાવ્યા છે. પરંતુ પ્રથમ દિવસે ભારતની સ્થિતિ ડામાડોળ થતી જણાઈ રહી હતી, એક સમયે ભારતે 144ના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની 199 રનની પાર્ટનરશીપને કારણે ટીમે મેચ પર પકડ મજબૂત કરી હતી. આ દરમિયાન અશ્વિને 113 રન બનાવ્યા. સ્પિન બોલર અશ્વિને સદી ફટકારતા સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થઇ રહ્યા છે, લોકો ભારતના ટોપ ઓર્ડરને પણ ટ્રોલ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર કોઈએ લખ્યું કે ભારતીય ટીમની આદત છે કે તે નવા બોલરો સામે ભાંગી પડે છે. હસન મહેમૂદે પહેલી ઇનિંગમાં 5 વિકેટ લઈને ભારતીય ટીમના ટોપ બેટ્સમેનને સસ્તામાં આઉટ કરી દીધા હતા. વર્ષો પહેલા શ્રીલંકાના અજંતા મેન્ડિસ પણ ટીમ ઈન્ડિયાની બેટિંગને આ રીતે જ તોડી પાડી હતી, જેને કારણે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મિસ્ટ્રી બોલર બની ગયો હતો.
કોઈએ લખ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી નિષ્ફળ ગયા છે, પરંતુ તેમને કોઈ કંઈ કહેશે નહીં. આ ખરાબ પ્રદર્શનનો દોષ શુભમન ગિલ અને કેએલ રાહુલ પર નાખવામાં આવશે.
કેટલાક લોકોએ હદ વટાવી દીધી, એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં રવિચંદ્રન અશ્વિનને બાંગ્લાદેશના ‘રાષ્ટ્રપિતા’ કહેવામાં આવ્યો છે. થોડા સમય પહેલા બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન દેશના ‘રાષ્ટ્રપિતા’ શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા તોડી પાડવામાં આવી હતી, જેને કારણે અશ્વિનને ‘બાંગ્લાદેશનો બાપ’ એ અર્થમાં ‘રાષ્ટ્રપિતા’ ગણાવવાના આવી રહ્યો છે.