IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિતને ઈજા પહોંચી! પ્રેક્ટિસ દરમિયાન જોવા મળ્યા આવા દ્રશ્યો

મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Bordar Gavskar trophy)ની છેલ્લી બે મેચ બાકી છે. આ સિરીઝની પહેલી મેચમાં ભારતે, તો બીજી મેચમાં ઓસ્ટ્રેલીયાએ જીત મેળવી હતી, જ્યારે ત્રીજી મેચ ડ્રો રહી હતી. હવે બાકીના બંને મેચ નિર્ણાયક સાબિત થશે, WTC ફાઈનલમાં પ્રવેશવા ભારત માટે બંને મેચ જીતવા જરૂરી છે. એ પહેલા ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચર છે, ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત (Rohit Sharma injured) થયો છે.
પ્રેક્ટિસ દરમિયાન પહોંચી ઈજા:
એક અહેવાલ મુજબ મેલબોર્નમાં પ્રેક્ટિસ દરમિયાન આજે રવિવારે રોહિતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. રોહિત થ્રો ડાઉન એક્સપર્ટ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો, આ દરમિયાન બોલ તેના પેડ પર વાગ્યો અને તેના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 26મી ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાવાની છે, મેચ શરુ થવાના ચાર દિવસ પહેલા જ રોહિતને ઈજા થતા ટીમ મુસીબતમાં મુકાઈ શકે છે.
સોશિયલ મીડિયા પર ફોટોઝ વાયરલ:
રોહિત શર્માની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે ઘૂંટણ પર આઈસ પેક લગાવતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે રોહિતશર્મા આ સિરીઝમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી, તે ફરીથી ફોર્મ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. રોહિતની ઈજા કેટલી ગંભીર છે, તે અંગે હજુ વિગતવાર જાણકારી મળી નથી.
Also Read – અશ્વિને જ્યારે ચોખ્ખું કહી દીધું, હું સ્ટીવ સ્મિથ સામે બોલિંગ નહીં જ કરું…
કે એલ રાહુલ પણ ઈજાગ્રસ્ત:
રોહિત ઉપરાંત ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતાં. અહેવાલ મુજબ કેએલ રાહુલ પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. કે એલ રાહુલના હાથમાં ઈજા થઈ હતી જેના પછી ફિઝિયોને મેદાનમાં આવવું પડ્યું હતું. કે એલની ઈજા બાતે પણ હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું. આ સિરીઝમાં કે એલ રાહુલ ફોર્મમાં છે, તેણે છ ઇનિંગ્સમાં 47ની એવરેજથી 235 રન બનાવ્યા છે.