યશસ્વી-કોહલીની સદીની ભાગીદારી પછી ધબડકો, ફરી ફૉલો-ઑનથી બચવાની રામાયણ
સ્ટીવ સ્મિથની 34મી સેન્ચુરીઃ બુમરાહની ચાર અને જાડેજાની ત્રણ વિકેટ
મેલબર્નઃ અહીં બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટના બીજા દિવસે યશસ્વી જયસ્વાલ (82 રન, 118 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) અને વિરાટ કોહલી (36 રન, 86 બૉલ, ચાર ફોર) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની 102 રનની દમદાર ભાગીદારી બાદ 30 મિનિટમાં ટીમ ઇન્ડિયાનો ધબડકો થતાં યશસ્વી-કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
બીજા દિવસની રમતના અંતે ભારતનો પ્રથમ દાવનો સ્કોર પાંચ વિકેટે 164 રન હતો. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા હતા અને ભારત હજી 310 રન પાછળ હતું. એ તો ઠીક, પણ ટીમ ઇન્ડિયાએ ફૉલો-ઑનથી બચવાની ફરી એકવાર મથામણ કરવી પડશે. ફૉલો-ઑન ટાળવા ભારતીય ટીમે શનિવારે બીજા 111 રન બનાવવા પડે એવી સ્થિતિ શુક્રવારની રમતને અંતે હતી. બ્રિસ્બેનના ગૅબામાં જસપ્રીત બુમરાહ અને આકાશ દીપે ભારતને ફૉલો-ઑનથી બચાવ્યું હતું.
153 રનના ટીમ-સ્કોર સુધીમાં ભારતની બે વિકેટ પડી હતી, પણ એ જ સ્કોર પર યશસ્વી આઉટ થવાની સાથે અડધો કલાકમાં કુલ ત્રણ વિકેટ પડી ગઈ હતી. યશસ્વી-કોહલીની ભાગીદારી આગળ વધી રહી હતી ત્યારે લાગતું હતું કે ટીમ ઇન્ડિયા પણ મોટો સ્કોર નોંધાવશે, પણ રનઆઉટમાં યશસ્વીની અને ત્યાર બાદ કોહલી તથા નાઇટ-વૉચમૅન આકાશ દીપ (0)ની વિકેટ પડી જતાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી.
એ પહેલાં, સવારે આઉટ-ઑફ-ફૉર્મ કૅપ્ટન રોહિત શર્મા (પાંચ બૉલમાં ત્રણ રન) ઇનિંગ્સની બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. હરીફ સુકાની પૅટ કમિન્સે તેની વિકેટ લીધી હતી. શુભમન ગિલને આ મૅચમાં નથી રમાડવામાં આવ્યો એટલે કે. એલ. રાહુલ (24 રન, 42 બૉલ, ત્રણ ફોર) વનડાઉનમાં રમ્યો હતો, પણ તે અગાઉની ટેસ્ટ મૅચોની જેમ લાંબા સમય સુધી ક્રીઝમાં નહોતો ટકી શક્યો અને પૅટ કમિન્સના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
રમતને અંતે રિષભ પંત છ રને અને રવીન્દ્ર જાડેજા ચાર રને રમી રહ્યા હતા અને વૉશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ તથા મોહમ્મદ સિરાજ બૅટિંગમાં આવવાના બાકી હતા.
આ પણ વાંચો : ગાવસકરે કૉમેન્ટરીમાં ઑસ્ટ્રેલિયાના ટીનેજ ઓપનર સહિત બે ખેલાડીને કેમ વખોડ્યા?
ભારતીય સમય મુજબ વહેલી સવારે 5.00 વાગ્યે બીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે ઑસ્ટ્રેલિયાએ 311/6ના સ્કોર પરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. સ્ટીવ સ્મિથ (140 રન, 197 બૉલ, 294 મિનિટ, ત્રણ સિક્સર, તેર ફોર)નું ઑસ્ટ્રેલિયાના 474/10ના સ્કોરમાં સૌથી મોટું યોગદાન હતું. તેણે 34મી ટેસ્ટ-સદી ફટકારી હતી. વિકેટકીપર ઍલેક્સ કૅરીએ 31 રન, પૅટ કમિન્સે 49 રન, મિચલ સ્ટાર્કે 15 રન, નૅથન લાયને 13 રન તથા સ્કૉટ બૉલેન્ડે અણનમ છ રનનું યોગદાન આપ્યું હતું.
ખાસ કરીને સ્મિથ-કમિન્સ વચ્ચે 128 બૉલમાં 100 રનની ભાગીદારી થઈ હતી. તેમની વચ્ચે કુલ 112 રનની પાર્ટનરશિપ થઈ હતી.
જસપ્રીત બુમરાહે 99 રનમાં ચાર વિકેટ તેમ જ જાડેજાએ 78 રનમાં ત્રણ, આકાશ દીપે 94 રનમાં બે અને વૉશિંગ્ટન સુંદરે 49 રનમાં એક વિકેટ લીધી હતી.