ગૅબામાં વરસાદને લીધે આટલી વાર રમત રોકવી પડી, રેકોર્ડ બની ગયો!
ઑસ્ટ્રેલિયાના 445 રન પછી ભારત કેવી ખરાબ મુશ્કેલીમાં મુકાયું, જાણો છો?

બ્રિસબેન: અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ત્રીજી ટેસ્ટમાં મેઘરાજા ખૂબ નડ્યા છે. વરસાદને કારણે ટૂંકા સમયમાં આઠેક વખત રમત અટકાવવી પડી હતી અને એ એક પ્રકારનો વિક્રમ છે.
સોમવારના ત્રીજા દિવસે પહેલા દાવમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 445 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું ત્યાર પછી ભારતે 17 ઓવરની રમતમાં ફક્ત 51 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
આખા દિવસમાં ફક્ત 33.1 ઓવર બોલિંગ થઈ શકી હતી.
ધોધમાર વરસાદ પડ્યા પછી મેદાન ભીનું રહેતાં ત્રીજા દિવસની રમત વહેલી બંધ રહી ત્યારે ઓપનર કે. એલ. રાહુલ 33 રને રમી રહ્યો હતો. એ 33 રન તેણે 64 બૉલમાં ચાર ફોરની મદદથી બનાવ્યા હતા. તેની સાથે કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર નૉટઆઉટ હતો.
મંગળવાર અને બુધવારના બાકીના બે દિવસે પણ વરસાદ પડવાની આગાહી છે.
ઓપનર યશસ્વી જયસ્વાલે ચાર રનમાં, શુભમન ગિલે એક રનમાં અને વિરાટ કોહલીએ ત્રણ રનમાં વિકેટ ગુમાવી દીધી હતી.
વરસાદને કારણે લાંબો સમય સુધી રમત અટકી ગયા બાદ ભારતીય સમય મુજબ સવારે 9:00 વાગ્યા પછી રમત ફરી શરૂ થઈ હતી. જોકે એમાં ભારતે રિષભ પંત (નવ રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. તેને કેપ્ટન પૅટ કમિન્સે વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
આ પણ વાંચો : ભારતના ધબડકા પછી મેઘરાજા વિફર્યા, જાણો 27 રનમાં કોણ-કોણ આઉટ થઈ ગયું…

એ પહેલાં, યશસ્વી અને ગિલ, બંનેની વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી. યશસ્વી ઈનિંગ્સના બીજા જ બૉલમાં ફૉરવર્ડ શોર્ટ લેગમાં મિચલ માર્શને કૅચ આપી બેઠો હતો. થોડીવાર બાદ મિચલ સ્ટાર્કની ઓવરમાં ગિલ ગલીના સ્થાન પર મિચલ માર્શનો શિકાર થયો હતો. તેણે અફલાતૂન ડાઈવિંગ કૅચ પકડ્યો હતો.
કોહલીને જૉશ હેઝલવૂડે વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
એ અગાઉ, ઑસ્ટ્રેલિયાની ટીમ 445 રનના સ્કોર પર આઉટ થઈ હતી. જસપ્રીત બુમરાહે સૌથી વધુ છ વિકેટ તેમ જ મોહમ્મદ સિરાજે બે વિકેટ અને નીતીશ રેડ્ડી તથા આકાશ દીપે એક-એક વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને 95 રનમાં એક પણ વિકેટ નહોતી મળી.
વિકેટકીપર ઍલેક્સ કૅરીએ ભારતીય બોલર્સને જોરદાર લડત આપી હતી અને 70 રનના પોતાના સ્કોર પર આઉટ થયો હતો. તેની એ દસમી વિકેટ પેસ બોલર આકાશ દીપે લીધી હતી.