સ્પોર્ટસ

ભારતના સરસાઈ સહિત 218 રન, વિજયી શ્રીગણેશનો પૂરો મોકો

યશસ્વી-રાહુલની જોડીની ઑસ્ટ્રેલિયામાં ઐતિહાસિક સેન્ચુરી-પાર્ટનરશિપ

પર્થઃ બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી)ની પ્રથમ ટેસ્ટ (સવારે 7.50 વાગ્યાથી લાઇવ)માં આજે બીજા દિવસે ભારતે રમતના અંત સુધીમાં બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે 172 રન બનાવ્યા હતા. 46 રનની સરસાઈ ઉમેરતાં ભારતના 218 રન થયા છે. ઓપનર યશસ્વી જયસ્વાલ (90 નૉટઆઉટ, 193 બૉલ, બે સિક્સર, સાત ફોર) અને કેએલ રાહુલ (62 નૉટઆઉટ, 153 બૉલ, ચાર ફોર)ની જોડીએ ભારતના ક્રિકેટ ઇતિહાસમાં નામ અંકિત કર્યું છે.

ઑસ્ટ્રેલિયામાં ભારતની ઓપનિંગ જોડીએ ટેસ્ટમાં સેન્ચુરીની ભાગીદારી કરી હોય એવું 2004ની સાલ પછી પહેલી વાર બન્યું છે. યશસ્વી-રાહુલની જોડીની 172 રનની અતૂટ ભાગીદારીની મદદથી ભારતનો હવે આ ટેસ્ટમાં હાથ ઉપર છે. તેમણે આ 172 રન 57 ઓવરમાં સાત બોલરનો સામનો કરીને બનાવ્યા હતા. આ પહેલાં 20 વર્ષમાં ક્યારેય પણ ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ ટૂરમાં ભારતની ઓપનિંગ જોડી 100 રનની પાર્ટનરશિપ નહોતી કરી શકી. છેલ્લે 2004માં સિડનીમાં સેહવાગ-આકાશ ચોપડાની જોડીની વચ્ચે 123 રનની ભાગીદારી થઈ હતી.યશસ્વી-રાહુલે અણનમ 172 રનની ભાગીદારી કરીને ગાવસકર-ચેતન ચૌહાણની મેલબર્નની 1981ની સાલની 165 રનની પાર્ટનરશિપનો ભારતીય રેકોર્ડ તોડી નાખ્યો હતો, અને હવે ગાવસકર-શ્રીકાંતની 1986ની સાલની 191 રનની ભાગીદારીથી તેઓ માત્ર 19 રન દૂર હતા.

યશસ્વી-રાહુલની જોડીએ ઑસ્ટ્રેલિયામાં વધુ એક વિક્રમ પોતાને નામ કર્યો છે. ઓપનર તરીકે આ જોડી ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટના એક દાવમાં સૌથી વધુ (346) બૉલનો સામનો કરનારી જોડી બની છે.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયા 104 રનમાં ઑલઆઉટ, બુમરાહની પાંચ વિકેટ

રવિવારના ત્રીજા દિવસે ભારતીય ટીમ સરસાઈ સાથેના 218 રનમાં બીજા કેટલા રન ઉમેરશે અને યજમાન ટીમને કેટલો લક્ષ્યાંક આપશે એના પર મૅચના પરિણામનો આધાર રહેશે. જો રવિવારે ભારતનો ધબડકો થશે અને કાંગારૂઓને 300-350 રન આસપાસનો લક્ષ્યાંક મળશે તો તેઓ મેળવી શકશે, નહીં તો 400-પ્લસનો ટાર્ગેટ તેમને ભારે પડી શકશે.

આજે ઑસ્ટ્રેલિયાએ સાત બોલર અજમાવ્યા હતા, પરંતુ એકેયને વિકેટ નહોતી મળી શકી. આ સાત બોલરમાં ખુદ કૅપ્ટન પૅટ કમિન્સ (44 રનમાં વિકેટ નહીં), જૉશ હૅઝલવૂડ (નવ રનમાં વિકેટ નહીં), મિચલ સ્ટાર્ક (43 રનમાં વિકેટ નહીં), મિચલ માર્શ (27 રનમાં વિકેટ નહીં), નૅથન લાયન (28 રનમાં વિકેટ નહીં), લાબુશેન (બે રનમાં વિકેટ નહીં) અને ટ્રેવિસ હેડ (આઠ રનમાં વિકેટ નહીં)નો સમાવેશ હતો. હૅઝલવૂડની બોલિંગનો 0.90નો ઇકોનોમી રેટ ટીમના તમામ બોલર્સમાં સૌથી શ્રેષ્ઠ હતો, કારણકે તેની 10 ઓવરમાં પાંચ મેઇડન હતી અને બાકીની પાંચ ઓવરમાં ફક્ત નવ રન બન્યા હતા.

ઑસ્ટ્રેલિયાની ટીમનો સ્કોર શુક્રવારના પહેલા દિવસે 67/7 હતો અને આજે એ દાવ 104 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. એમાં મિચલ સ્ટાર્કના 26 રન હાઇએસ્ટ હતા. કાર્યવાહક કૅપ્ટન જસપ્રીત બુમરાહે 30 રનમાં પાંચ, હર્ષિત રાણાએ 48 રનમાં ત્રણ અને મોહમ્મદ સિરાજે 20 રનમાં બે વિકેટ લીધી હતી. નવા પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને સ્પિનર વૉશિંગ્ટન સુંદરને અનુક્રમે ત્રણ તથા બે ઓવર મળી હતી જેમાં તેમણે ઑસ્ટ્રેલિયન બૅટર્સને બાંધીને રાખ્યા હતા.
ભારતે શુક્રવારે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button