IND vs AUS: રોહિત શર્મા સિડની ટેસ્ટમાં નહીં રમે? ડ્રેસિંગ રૂમમાં પણ તણાવ! ગંભીરે આપ્યો ચોંકાવનારો જવાબ
સિડની: બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT) 2024-25માં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન (Indian Cricket Team) નિરાશાજનક રહ્યું છે, ઓસ્ટ્રેલીયા સામેની પાંચ મેચની સિરીઝમાં ભારતીય ટીમ 1-2થી પાછળ ચાલી (IND vs AUS) રહી છે. ક્રિકેટ ચાહકો અને વિશેષજ્ઞો ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન માટે રોહિત શર્મા(Rahit Sharma)ની કેપ્ટન તરીકેની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી રહ્યા છે. ટીમના ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ પણ ઠીક ના હોવાના આહેવાલ મળ્યા છે. ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે (Guatam Gambhir) એક પ્રેસમાં એક મોટો સંકેત આપ્યો હતો.
ગૌતમ ગંભીરનો જવાબ:
હવે સિરીઝની પંચમી અને છેલ્લી મેચ આવતી કાલે ૩જી જાન્યુઆરીથી સિડનીમાં રમાશે, સિરીઝ ડ્રો કરવા માટે ભારત માટે આ મેચ જીતવી જરૂરી છે. આ ટેસ્ટ મેચ પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીર મીડિયા સમક્ષ જવાબ દેવા આવ્યા હતાં. આ પહેલા મોટાભાગે રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યો હતો. ગંભીરને સિડની ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં રોહિત શર્માના સ્થાન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ચોંકાવનારો જવાબ આપ્યો.
આ સવાલના જવાબમાં ગૌતમ ગંભીરે કહ્યું, ‘અમે પિચ જોયા પછી આવતીકાલે (3 જાન્યુઆરી) પ્લેઈંગ ઈલેવન નક્કી કરીશું.’ આ જવાબને કારણે અટકળો શરુ થઇ, કેમ કે રોહિત શર્મા કેપ્ટન છે, પ્લેઈંગ ઈલેવનમાં કેપ્ટનની પસંદગી પીચ પ્રમાણે નથી થતી. આ જવાબનો અર્થ એવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્માને છેલ્લી ટેસ્ટ માટે પડતો મૂકવામાં આવી શકે છે.
રોહિત શર્માનો ફ્લોપ શો:
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં અત્યાર સુધી રોહિતે માત્ર 31 રન બનાવ્યા છે. આ સિવાય તેણે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં છ ઇનિંગ્સમાં નિરાશાજનક 91 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશ સામેની સિરીઝમાં માત્ર 42 રન બનાવ્યા હતા. તેણે છેલ્લી 15 ઇનિંગ્સમાં માત્ર 164 રન બનાવ્યા છે, તેની એવરેજ 11થી ઓછી રહી છે. આ વર્ષે રોહિત તેની પ્રતિભા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી.
ડ્રેસિંગ રૂમમાં તણાવ:
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૌતમ ગંભીરને ડ્રેસિંગ રૂમમાં કથિત તણાવ વિષે પુછવામાં આવ્યું, ગૌતમ ગંભીરે કહ્યું કે, ‘જ્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં પ્રમાણિક લોકો છે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે. એકમાત્ર બાબત જે તમને ત્યાં બનાવી રાખે છે, તે પ્રદર્શન છે. કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમમાં જ રહેવી જોઈએ. ડ્રેસિંગ રૂમમની કોઈપણ ચર્ચા ડ્રેસિંગ રૂમમાં જ રહેવી જોઈએ.’
આ પણ વાંચો…ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપને ત્રણ જ અઠવાડિયા બાકી, જાણો ભારતની ટીમમાં કોણ-કોણ છે?
ગૌતમ ગંભીરે કહ્યું કે, ‘બધું બરાબર છે, અમે આવતીકાલે પીચ જોઈને પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરીશું. ડ્રેસિંગ રૂમમાં પ્રામાણિકતા મહત્વપૂર્ણ છે. આ એક ટીમ ગેમ છે. ડ્રેસિંગ રૂમમાં તણાવની વાત માત્ર અહેવાલો છે, સત્ય નથી. મારે કોઈ અહેવાલ પર ટિપ્પણી કરવાની જરૂર નથી. પ્રામાણિકતા મહત્વપૂર્ણ છે, અમે આગળ વધવા અને સારું પ્રદર્શન કરવા માંગીએ છીએ.”