104 રન ઑસ્ટ્રેલિયાનો ભારત સામે બીજા નંબરનો સૌથી નીચો સ્કોર…
પર્થઃ અહીં પાંચ મૅચવાળી બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતને ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સ (કમિન્સ, સ્ટાર્ક, હૅઝલવૂડ)એ શુક્રવારે 150 રનમાં ઑલઆઉટ કરી નાખ્યા તો શનિવારના બીજા દિવસે ભારતના ફાસ્ટ બોલર્સ (બુમરાહ, હર્ષિત, સિરાજ)એ 104 રનમાં તંબૂ ભેગા કરી દીધા હતા. અહીં નવાઈની વાત એ છે કે 104 રન ભારત સામે ઑસ્ટ્રેલિયાના બીજા નંબરનો સૌથી નીચો સ્કોર છે.
આ પણ વાંચો : IND vs AUS 1st Test: ભારતે પકડ બનાવી, કેએલ રાહુલ અને જયસ્વાલ ક્રીઝ પર અડગ
1981માં મેલબર્નમાં ભારત સામે ઑસ્ટ્રેલિયાનો દાવ 83 રનમાં સમેટાઈ ગયો હતો અને એ 83 રન ભારત સામે ઑસ્ટ્રેલિયાનો લોએસ્ટ સ્કોર છે. મેલબર્નની એ મૅચ ભારતે સુનીલ ગાવસકરના સુકાનમાં 59 રનથી જીતી લીધી હતી.
વિશ્વનાથ એ મૅચના પહેલા દાવમાં 114 રન બનાવ્યા હતા. બોલિંગમાં કપિલ દેવ તેમ જ દિલીપ દોશી, કરસન ઘાવરી, શિવલાલ યાદવ તથા સંદીપ પાટીલના મહત્ત્વના યોગદાન હતા.
ભારતે પહેલા દાવમાં 150 કે એનાથી ઓછા રન બનાવ્યા હોય અને એમ છતાં સરસાઈ લીધી હોય એવું અગાઉ માત્ર બે વખત બન્યું હતું. 2002માં ભારતે હૅમિલ્ટનમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટમાં 99 રનમાં આઉટ થઈ ગયા પછી પણ પાંચ રનની લીડ લીધી હતી. 1936માં લૉર્ડ્સમાં ભારત 147 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયા પછી પણ 13 રનની લીડ લેવામાં સફળ રહ્યું હતું.
આ પણ વાંચો : રિષભ પંતે ઍલન નૉટનો 47 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો…
પર્થની વર્તમાન ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતે પાંચમી વિકેટ ગુમાવતાં પહેલાં 59 રન અને ઑસ્ટ્રેલિયાએ પાંચમી વિકેટ ગુમાવતાં પહેલાં 38 રન બનાવ્યા હતા. આ બે સ્કોરનો સરવાળો 97 થાય છે. 1987માં દિલ્હીની ટેસ્ટમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટીમે અનુક્રમે પોતપોતાની ઇનિંગ્સમાં પાંચમી વિકેટ પડતાં પહેલાં જેટલા રન બનાવ્યા હતા એનો સરવાળો 67 રન થયો હતો. એ જોતાં, મેન્સ ટેસ્ટ ક્રિકેટમાં આ વખતનું કુલ 97 રનનું ટોટલ પાંચમી વિકેટ પડતાં પહેલાંનું સૌથી નીચું ટોટલ છે.