વન-ડે ટીમ જાહેરઃ ચૅમ્પિયન્સ ટ્રોફી જીતનારી ચૅમ્પિયન ટીમમાં કરાયા પાંચ ફેરફાર…

ગિલ નવો કૅપ્ટનઃ રોહિત-વિરાટ ટીમમાં સામેલ, પણ જાડેજા-ચક્રવર્તીના નામ ગાયબ
અમદાવાદઃ ઑસ્ટ્રેલિયામાં આગામી 19મી ઑક્ટોબરે ભારતની જે વન-ડે (ODI) સિરીઝ રમાવાની છે એ માટેની ટીમ (Team) શનિવારે અમદાવાદમાં નક્કી કરવામાં આવી હતી. શુભમન ગિલ (Gill)ને ભારતનો નવો વન-ડે કૅપ્ટન બનાવવામાં આવ્યો છે અને શ્રેયસ ઐયરને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સોંપાઈ છે. માર્ચમાં યુએઇમાં ભારત વન-ડેની જે ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું એ ટીમના પાંચ પ્લેયરના નામ નવી વન-ડેમાં ટીમમાં નથી.
ભારતીય ક્રિકેટમાં થોડા અઠવાડિયાઓથી મોટું પરિવર્તન આવી રહ્યું છે. રોહિત શર્મા (Rohit Sharma) પાસેથી વન-ડેના નેતૃત્વની જવાબદારી હવે પાછી લઈ લેવામાં આવી છે અને ગિલને ટેસ્ટ ઉપરાંત હવે વન-ડે ટીમ પણ સંભાળવાનું કહેવામાં આવ્યું છે. 2027માં વન-ડેનો આગામી વર્લ્ડ કપ રમાશે અને એને ધ્યાનમાં રાખીને યુવાન સુકાનીને માથે જવાબદારી સોંપવાના હેતુથી ગિલને સુકાન સોંપવાનો આ ફેરફાર કરવામાં આવ્યો છે.
એક ચર્ચા એવી છે કે ગિલને ત્રણેય ફૉર્મેટનું કૅપ્ટનપદ સોંપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ટી-20 ટીમનું સુકાન હાલમાં સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યો છે અને ઑસ્ટ્રેલિયામાં આગામી વન-ડે શ્રેણી પછી પાંચ ટી-20 પણ રમાશે જેમાં સૂર્યકુમાર ટીમનું નેતૃત્વ સંભાળશે. ગિલ ટી-20 ટીમમાં વાઇસ-કૅપ્ટન તો છે જ.
રોહિત-વિરાટ ઘણા વખતે મેદાન પર
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 2024માં લગભગ એક સાથે ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લીધી હતી અને આ વર્ષે તેમણે માત્ર પાંચ દિવસના અંતરમાં ટેસ્ટના રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. હવે તેઓ ભારત વતી માત્ર વન-ડેમાં રમતા જોવા મળશે. આગામી વન-ડે મૅચમાં ગિલ અને રોહિત ઓપનિંગમાં રમશે એ સંભાવના વચ્ચે યશસ્વીને પ્લેઇંગ-ઇલેવનમાં સ્થાન કદાચ ન પણ મળે. વન-ડે ટીમમાં સારી બૅટિંગને લીધે સૅમસન કરતાં ધ્રુવ જુરેલમાં સિલેક્ટરોને વધુ ક્ષમતા દેખાઈ છે એટલે તેને (જુરેલને) ટીમમાં સમાવ્યો છે. જોકે ટીમમાં મુખ્ય વિકેટકીપર કે. એલ. રાહુલ જ ગણાશે.
વન-ડે અને ટી-20 સિરીઝ ક્યારથી?
ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ 19-25 ઑકટોબર દરમ્યાન ત્રણ વન-ડે રમશે અને ત્યાર પછી પાંચ ટી-20 શ્રેણી શરૂ થશે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય ક્રિકેટરો ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમવા ગયા હતા જ્યાં ભારતની 1-3થી હાર થઈ હતી.
જાડેજા-ચક્રવર્તી અને હાર્દિક ટીમમાં નથી
શુભમન ગિલના સુકાનમાં જાહેર કરવામાં આવેલી નવી વન-ડે ટીમ એવી છે જેમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમના પાંચ પ્લેયર સામેલ નથી. રવીન્દ્ર જાડેજા તથા વરુણ ચક્રવર્તીના નામ ગાયબ છે. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઘૂંટણની આસપાસના સ્નાયુઓમાં દુખાવો છે અને એમાંથી હજી તે મુક્ત નથી થયો એટલે વન-ડે ટીમમાં તેનું નામ નથી. રિષભ પંતને ઇંગ્લૅન્ડમાં પગમાં ઈજા થઈ હતી અને હજી એમાંથી પૂરેપૂરો સાજો નથી થયો. જસપ્રીત બુમરાહને વન-ડે સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.
ચૅમ્પિયન્સ ટ્રોફીના પાંચ ખેલાડીના સ્થાને કોણ?
ભારત માર્ચમાં ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું એમાંના જે પાંચ પ્લેયર (જાડેજા, રિષભ, વૈભવ, હાર્દિક, બુમરાહ)ના નામ અલગ કારણસર નવી વન-ડે ટીમમાં સામેલ નથી તેમના સ્થાને સિલેક્ટ કરવામાં આવેલા ખેલાડીમાં નીતીશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલનો સમાવેશ છે.

વન-ડે ટીમઃ
શુભમન ગિલ (કૅપ્ટન), શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), કે. એલ. રાહુલ (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

ટી-20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, રિન્કુ સિંહ અને વૉશિંગ્ટન સુંદર.
ભારતીયોની ઑસ્ટ્રેલિયા-ટૂર
વન-ડે શ્રેણીઃ
(1) પ્રથમ વન-ડે, 19મી ઑક્ટોબર, પર્થ, સવારે 11.00
(2) બીજી વન-ડે, 23મી ઑક્ટોબર, ઍડિલેઇડ, સવારે 9.30
(3) ત્રીજી વન-ડે, 25મી ઑક્ટોબર, સિડની, સવારે 9.00
ટી-20 શ્રેણીઃ
(1) પ્રથમ ટી-20, 29મી ઑક્ટોબર, કૅનબેરા, બપોરે 1.30
(2) બીજી ટી-20, 31મી ઑક્ટોબર, મેલબર્ન, બપોરે 1.30
(3) ત્રીજી ટી-20, બીજી નવેમ્બર, હૉબાર્ટ, બપોરે 1.30
(4) ચોથી ટી-20, 6ઠ્ઠી નવેમ્બર, ગોલ્ડ કૉસ્ટ, બપોરે 2.00
(5) પાંચમી ટી-20, 8મી નવેમ્બર, બ્રિસ્બેન, બપોરે 2.00