IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં હાર છતાં ભારત WTC ફાઇનલમાં પહોંચી શકે? આ છે સમીકરણ…

મુંબઈ: ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે 3-0થી સિરીઝ હાર બાદ ભારતીય ટીમનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC)ની ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થઇ પડ્યું છે. ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચમાં જોરદાર જીત બાદ WTCમાં પ્રવેશની આશા થોડી મજબૂત થઇ હતી. ત્યાર બાદ એડિલેડ ટેસ્ટમાં કારમી હાર મળતા ભારતની WTCની ફાઈનલમાં પહોંચવાની આશા ધૂંધળી થઇ રહી છે. ભારતના પોઈન્ટ પર્સનટેજ(PCT) 61.11 થી ઘટીને 57.29 થઈ ગયા છે.
આ હાર સાથે જ ટીમ ઇન્ડિયા પોઈન્ટ ટેબલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાથી નીચેના ક્રમે પહોંચી ગઈ છે. ભારત પાસે આ સિરીઝમાં સુધારો કરવા અને સતત ત્રીજી WTC ફાઈનલ માટે ક્વોલિફાય કરવા માટે માત્ર ત્રણ વધુ ટેસ્ટ બાકી છે.
વર્તમાન WTC સાઈકલમાં નવમી જીતને કારણે ઓસ્ટ્રેલિયાનું PCTને 57.69 થી 60.71 થઈ ગયું છે. બીજા ક્રમે દક્ષિણ આફ્રિકા (59.26) છે. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ ચાલી રહી છે. આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલીયાને પાછળ છોડી શકે છે.
આ પણ વાંચો : ટ્રેવિસને ચાર-પાંચ રનમાં આઉટ કર્યો હોત તો ઠીક છે, 140 રન બનાવનારને જોશમાં `સૅન્ડ-ઑફ’ આપવાનો શું મતલબ: ગાવસકર…
ભારત પાસે ત્રણ મેચ:
અન્ય ટીમો પર આધાર રાખ્યા વિના WTC 2025ની ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે ભારત તેની બાકીની ત્રણ મેચોમાંથી એક પણ મેચ હારી શકે તેમ નથી. આ ઉપરાંત, ભારત મહત્તમ એક ડ્રો અને બે મેચ જીતીને 60.52ના PCT સાથે વર્તમાન સાઈકલનો અંત કરી શકે છે. સતત ત્રણ જીત સાથે, ટીમ ઇન્ડિયા 64.05 PCT પર 146 પોઈન્ટ પર પહોંચી શકે. આ માટે ભારતે ઓસ્ટ્રેલીયા સામે 3-2થી સિરીઝ જીતવી પડશે.
ભારતનું WTC ફાઇનલમાં પહોંચવાના સમીકરણો:
- જો ભારત ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવશે તો તેના 134 પોઈન્ટ અને 58.77 PCT હશે. આ પછી ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકામાં બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયામાં પાસે વધુમાં વધુ 126 પોઈન્ટ અને 55.26 PCT હોઈ શકે છે. ઉપરાંત, દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રીલંકા અને પાકિસ્તાન સામેની બાકીની મેચોમાં ત્રણ જીત સાથે તેના PCTને વધુમાં વધુ 69.44 પર લઈ જઈ શકે છે.
- જો ભારત ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવશે તો તેના 138 પોઈન્ટ અને 60.52 PCT હશે. ઓસ્ટ્રેલિયા શ્રીલંકામાં બંને મેચ જીતવા છતાં માત્ર 57 PCT સુધી જ પહોંચી શકશે.
- જો ઓસ્ટ્રેલિયા સાથેની સિરીઝ 2-2થી ડ્રો થાય છે, તો ભારતના 126 પોઈન્ટ અને 57.01 PCT હશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા શ્રીલંકાને સિરીઝમાં હરાવીને 130 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આ સાથે WTC ફાઈનલની રેસમાંથી ભારત બહાર થઇ શકે છે.