ગિલને સુકાની બનાવાયા પછી હવે આ યુવાન ખેલાડી કહે છે, મારે પણ કૅપ્ટન બનવું છે…

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયામાં હાલમાં કૅપ્ટન બદલવાનો તબક્કો ચાલી રહ્યો છે અને એમાં યશસ્વી જયસ્વાલે પણ ઝુકાવ્યું છે. રોહિત શર્માના સ્થાને વન-ડે ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે ત્યારે યશસ્વી (Yashasvi)એ એક મુલાકાત દરમ્યાન કરેલું નિવેદન ચર્ચાના ચકડોળે ચડ્યું છે.
થોડા સમય પહેલાં પીઢ ઑલરાઉન્ડર અને બાપુ' તથા
જડ્ડુ’ તરીકે ઓળખાતા રવીન્દ્ર જાડેજાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ` ભારતીય ટીમનો કૅપ્ટન (Captain) બનવાની તેની ઇચ્છા હજી પણ પ્રબળ છે.’ તેના આ નિવેદનથી ભારતીય ક્રિકેટમાં ખાસ કંઈ હલચલ નહોતી મચી, પણ યશસ્વીએ સુકાની બનવાનું સપનું વ્યક્ત કરીને દેશના ક્રિકેટ પંડિતોને વિચારતા કરી દીધા છે.
રોહિત શર્મા ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ગયો છે, વન-ડેમાં તેની પાસેથી સુકાન પાછું લઈ લેવામાં આવ્યું છે અને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેના સંપૂર્ણ રિટાયરમેન્ટનો દિવસ હવે બહુ દૂર નથી. બીજી તરફ, શુભમન ગિલને ટેસ્ટ પછી હવે વન-ડેનું પણ સુકાન સોંપાયું છે અને કહેવાય છે કે થોડા સમયમાં તે ત્રણેય ફૉર્મેટમાં ભારતના કૅપ્ટન તરીકે જોવા મળશે.

યશસ્વી જયસ્વાલે એક પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂમાં મન કી બાત વ્યક્ત કરતા કહ્યું, ` હું દરરોજ મારી ફિટનેસ અને કૌશલ્ય-ક્ષમતા પર ધ્યાન આપું છું. મને લાગે છે કે મારે વધુ ફિટ થવાની જરૂર છે. હું ખુદની બાબતમાં એટલો બધો વ્યસ્ત રહું છું કે એક દિવસ હું સારો લીડર બની શકું, કારણકે હું આવનારા સમયમાં એક ટીમનો સુકાની બનવા માગું છું.’
યશસ્વીએ ભારત વતી પચીસ ટેસ્ટમાં 49.88ની સરેરાશે 3,390 રન કર્યા છે અને 214 રન તેનો હાઇએસ્ટ સ્કોર છે. 23 વર્ષનો યશસ્વી ભારત વતી ફક્ત એક વન-ડે રમ્યો છે. તેણે ટી-20 ઇન્ટરનૅશનલમાં 23 મૅચમાં એક સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરીની મદદથી 723 રન કર્યા છે.
આ પણ વાંચો…રોહિતને કારણે ડ્રેસિંગ રૂમનું કલ્ચર બગડી શકતું હતું! કેપ્ટનશીપ બદલવા અંગે મોટો દાવો