IND VS AUS: ઑસ્ટ્રેલિયન પૂંછડિયા બેટરે ભારતીય બોલરની કસોટી કરી, ચોથા દિવસની રમત બની રસપ્રદ
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસે નાટકીય વળાંકો જોવા (IND vs AUS 4th test 4th Day) મળ્યા. ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આજે તરખાટ મચાવ્યો, ઓસ્ટ્રેલિયના ટોપ ઓર્ડરના બેટર્સ બુમરાહ સામે ટકી ના શક્યા. એક સમયે એવું લાગતું હતું કે ભારતને 250થી વધુનો ટાર્ગેટ નહીં મળે, પરંતુ ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના ટેલએન્ડર્સે ભારતીય બોલરોની કસોટી કરી અને બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલીયાનો સ્કોર 228 રન સુધી લઇ ગયા, લીડ સાથે સ્કોર 333 રન થઇ ગયો છે. હજુ ઓસ્ટ્રેલીયાની એક વિકેટ બાકી છે.
10 વિકેટ માટે પાર્ટનરશીપ:
છેલ્લી વિકેટ માટે નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડ વચ્ચે 110 બોલમાં 55 રનની પાર્ટનરશીપ થઈ. સ્કોટ બોલેન્ડ 65 બોલમાં 10 રન બનાવીને ક્રિઝ પર છે અને નાથન લિયોન 54 બોલમાં 41 રન બનાવીને ક્રિઝ પર છે. આ બંને પાંચમા દિવસે પણ બેટિંગ કરતા જોવા મળશે
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ:
બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 82 ઓવરમાં 9 વિકેટે 228 રન બનાવ્યા, લીડ સાથે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 333 રન છે. માર્નસ લાબુશેને 70 અને પેટ કમિન્સે 41 રન બનાવ્યા હતા. સેમ કોન્સ્ટન્સ 8, ઉસ્માન ખ્વાજા 21, સ્ટીવ સ્મિથ 13, ટ્રેવિસ હેડ 1, મિચેલ માર્શ 0 અને એલેક્સ કેરી 2 રન બનાવીને આઉટ થયા હતા. મિચેલ સ્ટાર્ક 5 રન બનાવીને આઉટ થયો હતો.
ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4, મોહમ્મદ સિરાજે 3 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.
મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમે 474 રન બનાવ્યા હતાં, ત્યાર બાદ ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 369 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 114 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી હતી.
આ પણ વાંચો…Chess: આ ભારતીય મહિલા ખેલાડી એ ઈતિહાસ રચ્યો, વર્લ્ડ રેપિડ ચેસનો ખિતાબ જીત્યો
બુમરાહનો નો-બોલ ભારે પડી શકે છે:
બુમરાહ દિવસની છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. બુમરાહ થાકેલો દેખાતો હતો. તેણે ઓવરનો ત્રીજો બોલ નો-બોલ ફેંક્યો. આ પછી, ચોથો બોલ લિયોનના બેટની એજ પર લાગીને સ્લિપમાં ઉભેલા કેએલ રાહુલ પાસે ગયો. રાહુલના હાથમાંથી બોલ સરકી ગયો પરંતુ તેના પગ વચ્ચે ફસાઈ ગયો જેના કારણે તે કેચ લેવામાં સફળ રહ્યો. ભારતીય દર્શકો ખુશ થઇ ગયા, પરંતુ પછી અમ્પાયરે નો બોલનો ઈશારો કર્યો. આ રીતે લિયોનને જીવનદાન મળ્યું અને રાહુલની મહેનત પણ વ્યર્થ ગઈ. દિવસની રમતના અંત સુધી ભારતીય બોલરો લિયોન-બોલેન્ડની ભાગીદારીને તોડી ન શક્યા.
આવતી કાલે મેચના પાંચમા અને અંતિમ દિવસે મેચ રસાકસી ભર્યો રહેશે.