IND VS AUS: બ્રિસ્બેન ટેસ્ટ અંગે આકાશદીપે આપ્યું મહત્ત્વનું નિવેદન, અમારું લક્ષ…
મેલબોર્નઃ ભારતના ઝડપી બોલર આકાશદીપે જસપ્રીત બુમરાહ સાથે મળીને ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 10મી વિકેટ માટે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ભારતને ફોલોઓનથી બચાવ્યું હતું, પરંતુ આ યુવા ઝડપી બોલરે આજે કહ્યું હતું કે તેમનું લક્ષ્ય માત્ર ફોલો-ઓન બચાવવાનું નહીં પરંતુ ટીમમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું હતું.
ત્રીજી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ભારત પર ફોલોઓનનો ખતરો તોળાઈ રહ્યો હતો પરંતુ આકાશ અને બુમરાહે દસમી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરીને ફોલોઓન ટાળ્યું હતું. વરસાદથી પ્રભાવિત આ મેચ આખરે ડ્રો રહી હતી.
મારું ધ્યાન ફક્ત આઉટ નહીં થવા પર હતું
આકાશે અહીં પત્રકારોને કહ્યું હતું કે, “અમે નીચલા ક્રમમાં બેટિંગ કરવા આવીએ છીએ અને તેથી 20, 25 અથવા 30 રનનું યોગદાન મૂલ્યવાન છે. ત્યારે હું ટીમમાં યોગદાન આપવા વિશે જ વિચારતો હતો. હું તે દિવસે ફોલોઓન બચાવવા માટે રમી રહ્યો ન હતો. મારું ધ્યાન ફક્ત આઉટ ન થવા પર હતું. અમે ફોલોઓન બચાવવામાં સફળ રહ્યા હતા.
આકાશે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની ઓવરમાં ચોગ્ગો ફટકારીને ફોલોઓન બચાવી લીધું હતું. આ પછી ખેલાડીઓ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તેણે કહ્યું હતું કે, “જ્યારે તમે આવી પરિસ્થિતિઓમાં મેચ બચાવો છો ત્યારે આખી ટીમનો આત્મવિશ્વાસ વધે છે અને અમારા ડ્રેસિંગ રૂમમાં તેની ઝલક જોવા મળી હતી.” આકાશે કહ્યું કે ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો કર્યા બાદ ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.
આ પણ વાંચો : ઈલોન મસ્ક અને સુંદર પિચાઈ કેમ બુમરાહ પર આફરીન થયા?
તો પણ બંને ટીમ બરાબરી પર છે
તેણે કહ્યું હતું કે, “છેલ્લી મેચમાં ભલે અમે પાછળ હતા, જો તમે ધ્યાન આપશો તો બંને ટીમો બરાબરી પર છે. છેલ્લી મેચના અંતિમ દિવસે અમે જે આત્મવિશ્વાસ મેળવ્યો હતો તે હજુ પણ અમારી સાથે છે, તેથી હું માનું છું કે મેલબોર્ન ટેસ્ટ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે.
આકાશદીપને પ્રથમ બે ટેસ્ટ મેચમાં અંતિમ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો પરંતુ ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ વખત વિદેશી ધરતી પર રમી રહેલા ફાસ્ટ બોલરે ખુલાસો કર્યો કે બુમરાહે તેની મદદ કરી હતી.
જસ્સી ભાઈની શિખામણે મહત્ત્વની ભૂમિકા ભજવી
તેણે કહ્યું, “હું પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં રમી રહ્યો છું. જસ્સી ભાઈ (બુમરાહ)એ અમને અમારી ભૂમિકા કેવી રીતે ભજવવી તે જણાવ્યું અને તેનાથી અમારું કામ સરળ બન્યું હતું. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોમાં ટ્રેવિસ હેડ ભારત માટે સૌથી મોટો માથાનો દુખાવો છે. તેણે શ્રેણીની પ્રથમ ઈનિંગમાં 11 રન કર્યા બાદ આગામી ત્રણ ઇનિંગ્સમાં 89, 140 અને 152 રન કર્યા હતા. આકાશે સંકેત આપ્યો કે ભારત આ બેટ્સમેન સામે શોર્ટ પિચ બોલનો ઉપયોગ હથિયાર તરીકે કરી શકે છે.