IND vs AUS 2nd Test: ‘અમે ઘણી ભૂલો કરી…’ હાર બાદ રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી
એડિલેડ: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચમાં 295 રને વિજય મેળવ્યા બાદ ભારતની ટીમને એડિલેડમાં રમાયેલી મેચમાં કારમી હાર (Indian cricket team lost 2nd test) મળી છે. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને 10 વિકેટે હરાવી, આ સાથે જ આ સિરીઝ 1-1થી બરાબર થઇ ગઈ છે. બીજી ટેસ્ટ મેચમાં ભારતના ખેલાડીના નબળા પ્રદર્શન અંગે કેપ્ટન રોહિત શર્માએ નિરાશા (Rohit Sharma reaction) વ્યક્ત કરી છે.
મેચ બાદ રોહિતે કહ્યું, “એક સમયે અમે મેચ પર ફરી પકડ બનાવી શક્યા હોત પરંતુ અમે મેદાન પર કેટલીક ભૂલો કરી હતી જેની કિંમત અમારે ચૂકવવી પડી હતી. અમે સારી બેટિંગ ન કરી અને કેચ પણ છોડ્યા. મને લાગે છે કે આ હારનું સૌથી મોટું કારણ છે.”
ગાબા ટેસ્ટ માટે આશા:
રોહિતે શર્માએ કહ્યું, “અમારું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, અમે સારું ન રમ્યા અને ઑસ્ટ્રેલિયન ટીમ અમારા કરતાં સારું રમી. અમે મોકાનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ ગયા. અમે પર્થમાં ખાસ પ્રદર્શન કર્યું હતું… અમે ફરીથી એવું કરવા ઇચ્છતા હતા, પરંતુ દરેક ટેસ્ટ મેચનો પોતાનો પડકાર હોય છે. હવે અમે ગાબા ટેસ્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે સારી શરૂઆત કરવા અને સારું રમવા માંગીએ છીએ.”
રોહિતે વધુમાં કહ્યું, “આ સીરીઝ હજુ પૂરી નથી થઈ, અમે માત્ર એક ટેસ્ટ મેચ હારી છે અને સીરીઝ હજુ પણ બરાબરી પર છે… અને આવતી ટેસ્ટ મેચમાં ઘણું બધું થવાનું છે.”
બેટ્સમેનોએ નિરાશ કર્યા:
રોહિતે બેટ્સમેનોના પ્રદર્શન વિશે પણ વાત કરી, તેણે કહ્યું, “પીચ બેટ્સમેનો માટે યોગ્ય હતી, અમે કોઈ બહાનું આપવા નથી માંગતા, અમે બેટ્સમેન તરીકે સારું નથી રમ્યા. આ નિરાશાજનક છે, અમે સારી બેટિંગ કરી નથી અને અમે તે જાણીએ છીએ. બેટ્સમેન સખત મહેનત કરે છે પરંતુ ક્યારેક તમારી સાથે આવું થાય છે. અમે પ્રેક્ટિસમાં ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યા છીએ. અમે અમારી તરફથી પુરતી મહેનત કરી રહ્યા છીએ. ભવિષ્યમાં તેને સુધારવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.”
સિરાજ અને હેડ વિવાદ અંગે પ્રતિક્રિયા:
કેપ્ટન રોહિત શર્માએ સિરાજ અને હેડ વચ્ચેની બોલાચાલી અંગે પણ પ્રતિક્રિયા આપી. રોહિતે કહ્યું, “મને ખબર નથી કે શું થયું હતું. બંને ટીમો જીતવા માટે રમી રહી હતી. આવી ઘટનાનો બનતી રહે છે. અમે ટ્રેવિસને આઉટ કરવા માંગતા હતા અને ટ્રેવિસ પણ બોલરો સામે સારું રમી રહ્યો હતો. જ્યારે ટ્રેવિસ આઉટ થયો ત્યારે તેણે ઉજવણી કરી. હાં, બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી પરંતુ હું સ્લિપમાં હતો તેથી તેમની વચ્ચે શું ચર્ચા થઈ તે વિશે મને વધુ ખબર નથી.”
આ પણ વાંચો…IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં ભારતની 10 વિકેટથી હાર, સીરિઝ 1-1થી બરાબર
શમી પર નજર:
રોહિત શર્માએ શમી વિશે વાત કરતા કહ્યું, “અમે તેના પર ધ્યાન રાખી રહ્યા છીએ. અમે સાવધાની સાથે આગળ વધવા માંગીએ છીએ. શમી એક મહત્વપૂર્ણ બોલર છે. અમે ઈચ્છીએ છીએ કે તે 100 ટકા ફિટ હોય, પછી જ ટીમમાં જોડાય. અમે તેના પર ધ્યાન આપીશું. ટીમ ઈન્ડિયાના દરવાજા તેના માટે હંમેશા ખુલ્લા છે.”