IND vs SL: શ્રીલંકા સામેની વનડેમાં આ દિગ્ગજ ખેલાડીઓ નહીં રમે, કોણ બનશે કેપ્ટન?

નવી દિલ્હી: T20 ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, ઝિમ્બાબ્વે સામેની પાંચ T20 મેચોની સિરીઝમાં સીનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભારતની યુવા ક્રિકેટ ટીમ(Indian Cricket team) હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર છે. આ સિરીઝ પછી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા(IND vs SL) સામે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમવાની છે.
જુલાઈના અંતમાં શ્રીલંકા સામે T20 શ્રેણી રમાશે, વનડે શ્રેણી 2જી ઓગસ્ટથી શરૂ થશે. એક અહેવાલ મુજબ વનડે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ વનડે શ્રેણીમાંથી બ્રેક આપવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે રોહિત અને વિરાટે BCCI પાસે લાંબો બ્રેક માંગ્યો છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને માર્ચ મહિનામાં IPLની શરૂઆતથી જ સતત ક્રિકેટ રમી રહ્યા છે. સાડત્રીસ વર્ષના રોહિતે છેલ્લા છ મહિનાથી બ્રેક નથી લીધો. તે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી બાદથી સતત રમી રહ્યો છે. તે પછી અફઘાનિસ્તાન સામેની ટી20, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી, આઈપીએલ અને ટી20 વર્લ્ડ કપનો સમાવેશ થાય છે.
આગામી વર્ષ 2025માં પાકિસ્તાનની ધરતી પર ચેમ્પિયન્સ ટ્રોફી આયોજિત થવાની છે અને તેના માટે ટીમ ઈન્ડિયા PCBએ ICCને શેડ્યૂલ પણ મોકલી દીધો છે. પરંતુ હાલમાં ટીમ ઈન્ડિયા ત્યાં જશે કે નહીં તે અંગે કંઈપણ પુષ્ટિ થઈ નથી. બોર્ડના એક સૂત્રએ કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની ત્રણ વનડે મેચ તૈયારી માટે પૂરતી છે. આ પછી, આગામી કેટલાક મહિનાઓ સુધી, રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટને પ્રાથમિકતા આપશે કારણ કે ભારતે સપ્ટેમ્બરથી જાન્યુઆરી વચ્ચે દસ ટેસ્ટ રમવાની છે.
જો કેપ્ટન રોહિત શર્મા શ્રીલંકા સામે નહીં રમે તો આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશિપ માટે બે મોટા દાવેદાર છે. જેમાં કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાનું નામ સામેલ છે. આ બંને ખેલાડીઓ રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યા છે અને તેમની પાસે આઈપીએલમાં પણ કેપ્ટનશિપનો સારો અનુભવ છે.
કેએલ રાહુલે અત્યાર સુધી 12 વનડે મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ટીમે 8માં જીત મેળવી છે. તે જ સમયે, તેને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, હાર્દિક પંડ્યાએ ત્રણ વનડે મેચમાં સુકાનીપદ સંભાળ્યું છે. તેણે 3 મેચમાં કેપ્ટનશિપ કરી છે અને માત્ર બેમાં જ જીત મેળવી છે.
Also Read –