સ્પોર્ટસ

સરફરાઝની સેન્ચુરી, પંતની હાફ સેન્ચુરી પછી મેઘરાજાની પાછી પધરામણી

બેંગલુરુ: અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં આજે ચોથા દિવસે મિડલ-ઑર્ડર બૅટર સરફરાઝ ખાને પ્રથમ ઇન્ટરનૅશનલ સેન્ચુરી નોંધાવી હતી. આ સદી સાથે તેણે બીજા દાવમાં ટીમ ઇન્ડિયાને નામોશીમાંથી બચાવી લીધી હતી. આ મિશનમાં તેને વિકેટકીપર રિષભ પંતનો સારો સાથ મળી રહ્યો છે. તેમની વચ્ચેની ચોથી વિકેટ માટેની 113ની ભાગીદારીમાં મેઘરાજાનું વિઘ્ન આવ્યું છે અને લંચ-બ્રેક જાહેર કરાયો છે.

પહેલા સત્ર દરમિયાન ભોજનના વિશ્રામ પહેલાં વરસાદ પડવાનો શરૂ થયો ત્યારે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 344 રન હતો. ન્યૂ ઝીલૅન્ડની પ્રથમ દાવની 356 રનની સરસાઈ ઊતારવા ભારતે બીજા માત્ર 12 રન કરવાના બાકી હતા.
રમત અટકી ત્યારે સરફરાઝ ખાન (125 રન, 154 બૉલ, 3 સિક્સર, 16 ફોર) અને રિષભ પંત (53 રન, 56 બૉલ, 3 સિક્સર, 5 ફોર ) રમી રહ્યા હતા.

પંતે ગુરુવારે સર્જરીવાળા જમણા પગમાં થયેલી ઈજા બાદ ફિલ્ડિંગ નહોતી કરી, પરંતુ થોડોઘણો દુખાવો ભૂલીને બૅટિંગ કરવા આવ્યો છે.

શુક્રવારની ત્રીજા દિવસની રમતને અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 231 રન હતો. વિરાટ કોહલી (102 બૉલમાં 70 રન) ત્યારે રમતના છેલ્લા બૉલમાં આઉટ થયો હતો.
આ મૅચમાં બુધવારની પ્રથમ દિવસની રમત વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી. બીજા દિવસે (ગુરુવારે) ભારતીય ટીમ ઘરઆંગણાના સૌથી નીચા 46 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ન્યૂ ઝીલૅન્ડે રચિન રવીન્દ્રના 134 રન, ડેવૉન કૉન્વેના 91 રન અને ટિમ સાઉધીના 65 રનની મદદથી 402 રન બનાવીને 356 રનની લીડ લીધી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button