સ્પોર્ટસ

ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જાડેજા અને કે.એલ. રાહુલ બહાર, સરફરાઝ, વોશિંગ્ટન સુંદર અને સૌરભને કરાયા સામેલ

નવી દિલ્હી : ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બેટ્સમેન કે.એલ. રાહુલ બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આપી હતી. નોંધનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો 28 રનથી વિજય થયો હતો. હવે બીજી ટેસ્ટ મેચ બે ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે.
બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જાડેજા અને રાહુલ બંને ઈજાગ્રસ્ત છે. આ કારણે તેમને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાને ભારતીય બોર્ડે સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કર્યા છે.
બીસીસીઆઇએ એક નિવેદનમાં કહ્યું હતું કે જાડેજા અને કે.એલ. રાહુલ વિશાખાપટ્ટનમમાં યોજાનારી ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે જાડેજાને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જ્યારે રાહુલે તેના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી. બીસીસીઆઇની મેડિકલ ટીમ બંનેની ઇજા પર નજર રાખી રહી છે.
બીસીસીઆઇએ કહ્યું હતું કે પસંદગી સમિતિએ ભારતીય ટીમમાં સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કર્યો છે. અવેશ ખાન તેની રણજી ટ્રોફી ટીમ મધ્ય પ્રદેશ સાથે જોડાયેલ રહેશે અને જરૂર પડ્યે ટેસ્ટ ટીમ સાથે જોડાશે..
બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કે.એસ. ભરત (વિકેટકીપર), ધ્રુવ ઝુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), અવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરભ કુમાર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button