પેગુલાની છ ક્વૉર્ટરની હાર પછી પ્રથમ સેમિ ફાઇનલ, વર્લ્ડ નંબર-વન સ્વૉન્ટેકે પિત્તો ગુમાવ્યો!
ન્યૂ યૉર્ક: અમેરિકાની જેસિકા પેગુલાએ અહીં બુધવારે યુએસ ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેકને સળંગ સેટથી હરાવીને પહેલી જ વખત ગ્રૅન્ડ સ્લૅમની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સ્વૉન્ટેક આ મૅચ હારી રહી હતી એ દરમ્યાન એક તબક્કે તેનો પિત્તો ગયો અને તેણે રૅકેટ નેટ પર પછાડ્યું હતું.
પેગુલા સતત છ ગ્રૅન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટમાં ક્વૉર્ટર ફાઇનલમાં હારી ગયા બાદ સાતમા પ્રયાસમાં સેમિમાં પહોંચવામાં સફળ થઈ છે. તેણે બુધવારે સ્વૉન્ટેકને 6-2, 6-4થી પરાજિત કરી હતી.
આ પણ વાંચો: નંબર-વન ટેનિસ પ્લેયરે બે વાર પ્રતિબંધિત ડ્રગ્સ લીધું, પણ શા માટે સસ્પેન્શન નહીં!
સેમિ ફાઇનલમાં પેગુલાનો મુકાબલો કૅરોલિના મુહોવા સામે થશે.
પેગુલાએ સ્વૉન્ટેકને હરાવ્યા પછી પત્રકારોને કહ્યું, ‘છેવટે હું ગ્રૅન્ડ સ્લૅમની ક્વૉર્ટર ફાઇનલ જીતી શકી. હવે હું પોતાને ગ્રૅન્ડ સ્લૅમની સેમિ ફાઇનલિસ્ટ તરીકે ઓળખાવી શકું છું. આ જીત પણ જુઓ કેવી! વર્લ્ડ નંબર-વનને હરાવી દીધી.’
પેગુલા અમેરિકાની છે અને તે ઘરઆંગણે (યુએસ ઓપનમાં) પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ સેમિ ફાઇનલમાં પ્રવેશવામાં સફળ થઈ છે.
મહિલાઓમાં બીજી સેમિ ફાઇનલ અરીના સબાલેન્કા અને એમ્મા નૅવારો વચ્ચે રમાશે.
પુરુષોના વર્ગમાં વર્લ્ડ નંબર-વન યાનિક સિન્નરે ભૂતપૂર્વ યુએસ ઓપન ચૅમ્પિયન ડૅનિલ મેડવેડેવને 6-2, 1-6, 6-1, 6-4થી હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી જેમાં તે પોતાના જ ડબલ્સ પાર્ટનર જૅક ડ્રૅપર સામે રમશે. બ્રિટનના ડ્રૅપરે ક્વૉર્ટરમાં ઍલેક્સ મિનૉરને 6-3, 7-5, 6-2થી હરાવ્યો હતો.