રોહિત શર્માના હાથે આફ્રિદીનો આ મોટો વર્લ્ડ રેકોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તૂટશે એ લગભગ નક્કી છે….
કટક: છેલ્લાં થોડા મહિનાઓથી રોહિત શર્મા ફ્લૉપમેન તરીકે ઓળખાતો હતો, પરંતુ હવે તે પાછો હિટમૅન થઈ ગયો છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો તે સુપરહિટ મૅન બની શકે એમ છે. વાત એવી છે કે વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો શાહિદ આફ્રિદીનો વર્ષો જૂનો જે વર્લ્ડ રેકોર્ડ છે એ તોડવાની રોહિતને બહુ સારી તક છે અને એ મોકો તે 19મી ફેબ્રુઆરીએ શરૂ થતી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઝડપી લેશે એવી પાકી સંભાવના છે.
![](/wp-content/uploads/2025/02/image-12.png)
રોહિત શર્માના નામે વન-ડેમાં અત્યારે કુલ 338 સિક્સર છે. ગઈ કાલે જ તેણે ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડેમાં 90 બૉલમાં બાર ફોરની મદદથી જે મૅચ-વિનિંગ 119 બનાવ્યા હતા એમાં સાત સિક્સર પણ સામે હતી.
રોહિતે એ સાથે ક્રિસ ગેઈલ (331 સિક્સર)ને ઓળંગીને વન-ડેના બેસ્ટ સિક્સરમેનની યાદીમાં બીજું સ્થાન મેળવી લીધું હતું. આ મૅચ પહેલાં રોહિત અને ગેઈલ 331-331 સિક્સર સાથે એક હરોળમાં હતા.
વન-ડેના 54 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગાનો વિશ્વવિક્રમ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે છે. તેણે 1996થી 2015 સુધીની કારકિર્દીમાં કુલ 351 છગ્ગા ફટકાર્યા હતા. તેનો એ વિશ્વવિક્રમ ક્રિસ ગેઈલ તો નહોતો તોડી શક્યો, પણ હવે 338 સિક્સર ફટકારી ચૂકેલા રોહિત શર્માને બહુ સારી તક છે.
રોહિત હવે 13 સિક્સર ફટકારશે એટલે આફ્રિદીની બરાબરીમાં થઈ જશે અને વધુ એક સિક્સર રોહિતને વિશ્વવિક્રમ ધારક બનાવી દેશે.
![](/wp-content/uploads/2025/02/image-10.png)
ઇંગ્લૅન્ડ સામે હવે એક વન-ડે બાકી છે જે બુધવારે અમદાવાદમાં રમાશે. રોહિત એ મૅચમાં તો 13 કે 14 છગ્ગા ફટકારશે એની સંભાવના બહુ જ ઓછી છે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તે જરૂર આફ્રિદીને ઓળંગી શકશે.
રોહિત શર્માએ ગઈ કાલે 32 મી વન-ડે સેન્ચુરી ફટકારવાની સાથે પાછા ફૉર્મમાં આવીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી.
Read This…IND VS ENG: હીટમેનની સેન્ચુરી રંગ લાવી, બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ભવ્ય વિજય…
ભારતે ગઈ કાલે ઇંગ્લૅન્ડને કટકની બીજી વન-ડેમાં 33 બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે 304 રન બનાવ્યા પછી કેપ્ટન રોહિત (119 રન) અને વાઇસ-કેપ્ટન શુભમન ગિલ (60 રન, 52 બૉલ, એક સિક્સર, નવ ફોર) વચ્ચેની 136 રનની ઓપનિંગ ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો હતો અને પછીથી ભારતે શ્રેયસ ઐયરના 44 રન તેમ જ અક્ષર પટેલના અણનમ 41 રનની મદદથી 44.3 ઓવરમાં છ વિકેટે 308 રન બનાવીને વિજય મેળવવાની સાથે સિરીઝમાં 2-0થી વિજયી સરસાઇ હાંસલ કરી હતી.