રિષભ પંત વિશે મોટી અટકળઃ એશિયા કપમાં અને વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં… | મુંબઈ સમાચાર

રિષભ પંત વિશે મોટી અટકળઃ એશિયા કપમાં અને વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં…

નવી દિલ્હીઃ વિકેટકીપર-બૅટર રિષભ પંત (Rishabh Pant) બાબતમાં નવી અટકળો બહાર આવી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે આગામી નવમી સપ્ટેમ્બરે યુએસમાં શરૂ થનારા ટી-20ના એશિયા કપ (Asia Cup)માં કદાચ નહીં રમે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તે એશિયા કપ પછી બીજી ઑક્ટોબરે ઘરઆંગણે શરૂ થનારી વેસ્ટ ઇન્ડિઝ (West Indies) સામેની ટેસ્ટ સિરીઝમાં પણ કદાચ નહીં રમે.

પંતને તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની મૅન્ચેસ્ટરની ચોથી ટેસ્ટમાં પગમાં ઈજા થઈ હતી જેને લીધે તેણે એ મૅચમાં ઈજા છતાં બૅટિંગ કરી હતી, પરંતુ પાંચમી ટેસ્ટમાં નહોતો રમી શક્યો.

આપણ વાંચો: ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સે કેમ રિષભ પંતની માફી માગી?

ગયા મહિનાના છેલ્લાં દિવસોમાં એવું કહેવામાં આવ્યું હતું કે બીસીસીઆઇની મેડિકલ ટીમે પંતને છ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી હતી. એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલમાં જણાવાયું છે કે પંત 9-28 સપ્ટેમ્બરના એશિયા કપ તો ચૂકી જ જશે, તે ત્યાર પછીની ઑક્ટોબરની વેસ્ટ ઇન્ડિઝ સામેની (2-14 ઑક્ટોબરની) બે ટેસ્ટ (અમદાવાદ અને દિલ્હી)માં પણ મોટા ભાગે નહીં રમે.

પંત છેલ્લે ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ 2024ની 28મી જુલાઈએ રમ્યો હતો. એ મૅચ પલ્લેકેલમાં શ્રીલંકા સામે રમાઈ હતી.

મર્યાદિત ઓવર્સની મૅચોમાં (એશિયા કપમાં) ભારતીય ટીમને પંતની ખોટ નહીં વર્તાય, કારણકે લિમિટેડ ઓવર્સની મૅચોમાં પંત વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે પ્રથમ પસંદગી તરીકે નથી મનાતો. તેના કરતાં કે. એલ. રાહુલને કે સંજુ સૅમસનને પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં પંતને ઈજા હતી ત્યારે ધ્રુવ જુરેલે ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં વિકેટકીપર તરીકે જવાબદારી બહુ સારી રીતે સંભાળી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button