પાકિસ્તાન સ્મોકિંગ લીગ: સુપરસ્ટાર ખેલાડી ડ્રેસિંગ રૂમમાં સિગારેટ પીતો પકડાઈ ગયો
કરાચી: પાકિસ્તાનના ઑલરાઉન્ડર ઇમાદ વસીમે સોમવારે પૂરી થયેલી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં એક તરફ સુપર-ડુપર પર્ફોર્મ કરીને ઇસ્લામાબાદ યુનાઇટેડને ટૂર્નામેન્ટની છેલ્લી ઓવરમાં જિતાડીને ટ્રોફી અપાવી, પણ બીજી બાજુ તેણે બબાલ કરી નાખી હતી. તેણે ચાલુ મૅચે સ્મોકિંગ કર્યું જેને કારણે સોશિયલ મીડિયામાં આ ટૂર્નામેન્ટને મજાકમાં પાકિસ્તાન સ્મોકિંગ લીગ તરીકે ઓળખાવાઈ રહી છે.
પીએસએલમાં ઇસ્લામાબાદની ટીમ જે છેલ્લી ત્રણ મૅચ (એલિમિનેટર-1, એલિમિનેટર-2 અને ફાઇનલ) રમી એ ત્રણેયમાં ઇમાદે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતીને નવો ઇતિહાસ સરજ્યો હતો. ખાસ કરીને ફાઇનલ અત્યંત રોમાંચક બની હતી. મોહમ્મદ રિઝવાનના સુકાનમાં મુલતાન સુલ્તાન્સ નામની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 159 રન બનાવ્યા હતા. 35 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર ઇમાદે 23 રનમાં પાંચ વિકેટ લીધી હતી. ત્યાર બાદ ઇસ્લામાબાદની ટીમે 160 રનનો ટાર્ગેટ મેળવવા જતાં સાધારણ શરૂઆત કરી હતી અને બરાબર 20 ઓવરમાં આઠ વિકેટે 163 રન બનાવીને ત્રીજી વાર ટાઇટલ જીતી લીધું હતું. છેલ્લા છ બૉલમાં ઇસ્લામાબાદે આઠ રન બનાવવાના હતા. ઇમાદનો સાથી-બૅટર નસીમ શાહ (17 રન) ફટકાબાજી બાદ પાંચમા બૉલમાં આઉટ થયો હતો, પણ હુનૈન શાહે અંતિમ બૉલમાં જીતવા એક રન બાકી હતો ત્યારે વિનિંગ-ફોર ફટકારી દીધી હતી.
આ પણ વાંચો
પાકિસ્તાનના ખેલાડીઓ અને મેનેજમેન્ટની આ ક્રિકેટરે પોલ ખોલી નાખી, આપ્યું આ નિવેદન
મૂળ વાત એ છે કે મુલતાન સુલતાન્સની ઇનિંગ્સ પૂરી થઈ ત્યાર પછી ઇમાદ ડ્રેસિંગ રૂમમાં સ્મોકિંગ કરી રહેલો જોવા મળ્યો હતો જેનો વીડિયો વાયરલ થયો હતો. તેના આ કૃત્ય બદલ તેની ખૂબ ટીકા થઈ રહી છે. નવાઈની વાત એ છે કે તે મુલતાન સુલતાન્સના ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો અને ત્યારે સ્મોકિંગ કર્યું હતું અને કૅમેરામાં ઝડપાઈ ગયો હતો.
ઇમાદનો જન્મ ડિસેમ્બર 1988માં ઇંગ્લૅન્ડના તાબા હેઠળની વેલ્સની ગ્લેમૉર્ગન કાઉન્ટીમાં થયો હતો. તે બહુ નાનો હતો ત્યારે તેના મમ્મી-પપ્પા પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા અને ઇમાદનો ઉછેર ઇસ્લામાબાદમાં થયો હતો.