સ્પોર્ટસ

આઈપીએલે અવગણ્યો, 19 સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ રચી દીધો

ફિન ઍલનનો ફાસ્ટેસ્ટ 150 રનનો પણ વિશ્વ વિક્રમ

ઓકલૅન્ડ: ન્યૂ ઝીલૅન્ડના હાર્ડ-હિટર ફિન ઍલન (Finn Allen)ને સતત ત્રણ આઈપીએલ સીઝનમાં 10માંથી એક પણ ફ્રેન્ચાઈઝીએ નહોતો ખરીદ્યો, પણ ગુરુવારે તેણે અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC) નામની ટી-20 ટૂર્નામેન્ટની નવી સીઝનના પહેલા જ દિવસે ધમાલ મચાવી દીધી. તેણે એક ટી-20 ઇનિંગ્સમાં સૌથી વધુ 19 સિક્સર ફટકારવાનો નવો વિશ્વ વિક્રમ રચ્યો છે.

સૅન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ (SAN FRANCISCO UNICORNS) નામની ટીમ વતી રમતા ઍલને (151 રન, 51 બૉલ, 19 સિક્સર, પાંચ ફોર) 297.07ના સ્ટ્રાઇક રેટથી રન કર્યા હતા. તેણે ટી-20ની એક ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ 150 રન (49 બૉલમાં દોઢસો રન) કરવાનો વિશ્વ વિક્રમ પણ નોંધાવ્યો હતો. તેણે ડેવાલ્ડ બ્રેવિસનો બાવન બૉલમાં 150 રનનો વિક્રમ તોડ્યો છે.

મૅન ઑફ ધ મૅચ ફિન એલને એક ટી-20 મૅચમાં સૌથી વધુ 18 છગ્ગા ફટકારવાનો વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેઇલ (2017માં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં) અને એસ્ટોનિયાના ભારતીય મૂળના ક્રિકેટર સાહિલ ચૌહાણ (2024માં સાયપ્રસ સામે)નો સંયુક્ત વિશ્વ વિક્રમ તોડ્યો છે.

ગુરુવારે ઍલનના 151 રનની મદદથી કૉરી ઍન્ડરસનના સુકાનમાં સૅન ફ્રાન્સિસ્કોની ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 269 રન કર્યા હતા જે એમએલસીનો નવો હાઈએસ્ટ ટીમ-સ્કોર છે.

આપણ વાંચો:  ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં બીજા દિવસે પણ 14 વિકેટ પડી: ટેસ્ટનો મુકાબલો ટી-20 જેવો બન્યો

ગ્લેન મેકસ્વેલની કેપ્ટન્સીમાં વોશિંગ્ટન ફ્રીડમ ટીમ 146 રનમાં ઑલઆઉટ થઈ હતી અને સૅન ફ્રાન્સિસ્કોનો 123 રનથી વિજય થયો હતો. વૉશિંગ્ટનના 146 રનમાં રચિન રવીન્દ્રના 42 રન હાઈએસ્ટ હતા. પાકિસ્તાનના હારિસ રઉફ અને અમેરિકાના હસન ખાને સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ મેળવી હતી.

એમએલસીની આ સીઝનમાં છ ટીમ ભાગ લઈ રહી છે. એમાં ભારતના ત્રણ ફ્રેન્ચાઈઝી (ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ)ની માલિકીની ટીમોનો સમાવેશ છે. આ ટીમોના નામ અનુક્રમે ટેક્સસ સુપર કિંગ્સ, એમઆઈ ન્યૂ યોર્ક અને લૉસ ઍન્જલ્સ નાઈટ રાઇડર્સ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button