દિગ્ગજો વગર રમો તો નાક જ કપાય

વિરાટ, રોહિત, અશ્વિન અને પુજારા જેવા અનુભવીઓએ અકાળે નિવૃત્તિ લેવી પડીઃ રહાણે અને મોહમ્મદ શમીની પણ ટીમને મોટી ખોટ વર્તાય છે
મુંબઈઃ પાંચ દિવસની ટેસ્ટ-મૅચ (TEST MATCH) હવે ઘણી વખત બેથી અઢી દિવસમાં પૂરી થઈ જતી હોવાથી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ સૌથી જૂના ફૉર્મેટના ભાવિ વિશે ખૂબ ચિંતિત છે અને એનો ઉકેલ લાવવામાં બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) પણ સંકળાયેલું છે એ બહુ સારી વાત કહેવાય, પરંતુ ખુદ ભારતીય ટેસ્ટ ટીમની જ હાલત અત્યારે એવી કે બીસીસીઆઇએ આ સમસ્યા પહેલાં ઉકેલવી જરૂરી છે. છેલ્લા એક વર્ષમાં ત્રણમાંથી બે ટેસ્ટ-સિરીઝમાં આપણો વાઇટવૉશ થઈ જાય એ તો બહુ ખરાબ કહેવાય અને આ સમસ્યા વહેલી તકે ઉકેલાવી જ જોઈએ. જોકે આ બહુ મુશ્કેલ કામ છે, કારણકે હવે તો ભારતની ટેસ્ટ ટીમમાં દિગ્ગજો જેવું કોઈ છે જ નહીં.

યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન વગેરે યુવાનિયાઓ અને રિષભ પંત જેવા ટી-20ની માનસિકતાવાળા બૅટ્સમેનોથી હવે આપણે ચલાવી લેવાનું છે. કે. એલ. રાહુલ ઠરેલ મગજવાળો બૅટ્સમૅન ખરો, પરંતુ એટલો બધો પણ અનુભવી નથી કે જૂના જોગીઓમાંથી કોઈનું સ્થાન તે લઈ શકે.
વિરાટ કોહલી અને રોહિત શર્માએ આ વર્ષની શરૂઆતમાં (ઑસ્ટ્રેલિયામાં 1-3ના રકાસ બાદ) અચાનક જ ટેસ્ટ-ક્રિકેટમાંથી વિદાય લીધી હતી. હેડ-કોચ ગૌતમ ગંભીર સાથેના કે ચીફ સિલેક્ટર અજિત આગરકર અને તેની સિલેક્શન કમિટી સાથેના મતભેદને કારણે બન્ને દિગ્ગજે અકાળે ટેસ્ટ-ફૉર્મેટ (test format) છોડી દીધું હતું કે શું એ ચર્ચાનો વિષય છે, પરંતુ તેમના જવાથી ટેસ્ટ ટીમને બહુ મોટી ખોટ તો પડી જ છે. કુલ મળીને 13,500 ટેસ્ટ-રન કરનાર વિરાટ અને રોહિત (વિરાટના 9,230 રન અને રોહિતના 4,301 રન) જેવા મોટા માથાઓની ટીમમાં ગેરહાજરીમાં ઓપનિંગમાં તથા મિડલ-ઑર્ડરમાં બાજી સંભાળવાની જવાબદારી કોની? કોણ ટીમને સારું સ્ટાર્ટ અપાવી શકે? કે કોણ મિડલ-ઑર્ડરમાં પડકાર ઝીલીને, સમજદારીથી અને ધૈર્યપૂર્વક રમીને રનમશીનને વેગ આપી શકે? એ અત્યારે ચર્ચાના વિષય છે. સ્પિન લેજન્ડ આર. અશ્વિને પણ વહેલી નિવૃત્તિ લેવી પડી હતી.
એક સમયે રાહુલ દ્રવિડ પછીના બીજા ` ધ વૉલ’ તરીકે ઓળખાતા ચેતેશ્વર પુજારાએ ઘણા મહિનાઓ સુધી ટીમમાં કમબૅક માટે આશા રાખી અને છેવટે ત્રણ મહિના પહેલાં (ઑગસ્ટ, 2025માં) રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. તેણે પણ ટેસ્ટ-ફૉર્મેટમાં અઢળક (7,195 રન) કર્યા હતા અને તેની ગેરહાજરી પણ ટીમને નડી રહી છે.
ઑસ્ટ્રેલિયામાં ભારતને ઐતિહાસિક વિજય અપાવનાર અજિંક્ય રહાણે ટેસ્ટમાં રેગ્યુલર કૅપ્ટન બનવાને લાયક હતો, પરંતુ તેને ટેસ્ટ ટીમમાં પણ ફરી સ્થાન નથી મળ્યું. ચીફ સિલેક્ટર અજિત આગરકર તથા તેની પસંદગીકાર સમિતિ અને હેડ-કોચ ગૌતમ ગંભીર સહિતના ટીમ મૅનેજમેન્ટ વચ્ચે એવું તે શું રંધાઈ રહ્યું છે કે રહાણે જેવા પીઢ અને અનુભવી ખેલાડીની ટીમને ખાસ જરૂર છે છતાં તેને પાછું આવવા ન મળ્યું? ભારતના ક્રિકેટપ્રેમીઓ આ અને આવા બીજા અનેક સવાલો પૂછી શકે એમ છે.
મોહમ્મદ શમીના નામે તો ફિટનેસના મુદ્દે બહુ લાંબુ પ્રકરણ ચાલ્યું છે. માની લઈએ કે ભારતીય ટીમમાં હાલમાં નબળી બૅટિંગ જ સૌથી મોટી ચિંતા છે, પણ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર જ પેસ બોલિંગનો બધો ભાર નાખવા કરતાં ડોમેસ્ટિક ક્રિકેટમાં એક પછી એક મૅચમાં વિકેટો લઈ રહેલા શમીને કેમ ફરી સિલેક્ટ નથી કરવામાં આવતો એનો જવાબ છે કોઈની પાસે? આપણા સ્પિનર્સ (રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ વગેરે) સારું પર્ફોર્મ કરી રહ્યા છે, પરંતુ આપણી જ ટર્નિંગ વિકેટો પર આપણા બૅટ્સમેનો સ્પિનર્સ સામે રમવામાં એટલા બધા નબળા છે કે સાઇમન હાર્મર, કેશવ મહારાજ, એઇડન માર્કરમ જેવા ફાવી જાય છે.
આપણા દિગ્ગજ બૅટ્સમેનોની ગેરહાજરીમાં શુભમન ગિલના માથે કૅપ્ટન્સીનો એટલો બધો બોજ નાખી દીધો કે બિચારાની ગરદન જ વળી ગઈ. બીજી રીતે કહીએ તો તેના ગરદનના સ્નાયુઓ ખેંચાઈ ગયા જેને કારણે તેણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝની શરૂઆતમાં જ ટીમની બહાર થઈ જવું પડ્યું અને કૅપ્ટન્સીનો ભાર રિષભ પંત પર આવી ગયો જેમાં તે નબળા નેતૃત્વને કારણે ખુલ્લો પડી ગયો અને તેની બૅટિંગ પર પણ વિપરીત અસર થઈ છે.
વિદેશમાં ભારત તાજેતરમાં ટેસ્ટ મૅચો જીત્યું (ઑસ્ટ્રેલિયામાં એક અને ઇંગ્લૅન્ડમાં બે ટેસ્ટ જીત્યું), પણ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સામે તમામ મૅચો હારી ગયું. 2024ના નવેમ્બરમાં કિવીઓ સામે આપણે 0-3થી હાર્યા અને હવે સાઉથ આફ્રિકા સામે 0-2થી નાક કપાયું. વિદેશની જ વાત નીકળી છે તો કહેવાનું કે વિદેશી ધરતી પરના ટીમ ઇન્ડિયાના પર્ફોર્મન્સમાં જો શુભમન ગિલના દેખાવની બાદબાકી કરો તો બૅટિંગમાં ટીમ ઇન્ડિયા કંઈ જ ન કહેવાય. અત્યારે હાલત એવી છે કે શરૂઆતમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની બે ફાઇનલ રમી ચૂકેલા ભારતને વર્તમાન સીઝનની ફાઇનલમાં કદાચ ન પણ પહોંચવા મળે.



