જો ગિલે ગઈકાલે DRS લીધું હોત તો… રાહુલે આપ્યું આવું રિએક્શન…
છેલ્લાં કેટલાય સમયથી ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલનું T20 ઈન્ટરનેશનલમાં ફોર્મ ખૂબ જ ખરાબ રહ્યો છે અને એમાં પણ ગઈકાલે એટલે કે ગુરુવારે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં તો તે છ બોલમાં બાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પણ જો ગિલે DRS લીધું હોત તો તે બચી ગયો હોત અને આવું અમે નથી કહી રહ્યા પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
ગઈકાલની મેચમાં ત્રીજી જ ઓવરમાં સાઉથ આફ્રિકાના અનુભવી બોલર કેશવ મહારાજ ગિલને પોતાનો શિકાર બનાવ્યો હતો. ટીમને એક સ્પીડી સ્ટાર્ટ આપવાનું વિચારીને ગિલે સ્પિનર કેશવ મહારાજની ઓવરમાં રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું તેમાં તેને નિષ્ફળતા મળી હતી.
ગિલનો સ્વીપ કરવાનો દાવ તેના પર જ ઊંધો પડ્યો હતો, કારણ કે તે બોલ મિસ કરી ગયો અને બોલ સીધો આવીને તેના પેડ્સ સાથે ટકરાયો હતો. આ વિકેટ પર સાઉથ આફ્રિકાની ટીમ દ્વારા જોરદાર અપીલ કરવામાં આવી હતી અને મેદાન પરના અમ્પાયરે ગિલને આઉટ જાહેર કર્યો હતો. જોકે, આઉટ થયા બાદ શુભમન ગિલે તેના ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલ સાથે લાંબી ચર્ચા-વિચારણા કરી હતી અને આખરે તેણે વાતચીત કરી હતી. પરંતુ અંતે બંનેએ DRS ન લેવાનું નક્કી કર્યું હતું અને ગિલ નિરાશવદને ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો હતો.
પરંતુ બાદમાં જ્યાકે સ્ક્રીન પર રિપ્લે બતાવવામાં આવ્યું ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થયું હતું અને જો ગિલે DRS લીધો હોત તો તે બચી ગયો હોત. આ દ્રશ્ય જોઈને કોચ રાહુલ દ્રવિડ પણ પોતાના ગુસ્સા પર કાબુ રાખી શક્યા નહીં અને તેમના ચહેરા પર પણ નિરાશા અને ગુસ્સો બંનેના ભાવ જોવા મળી રહ્યા હતા. દ્રવિડનું આ રિએક્શન કેમેરામાં કેદ થઈ ગયું હતું અને સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગિલે બીજી T20માં DRS લીધું હતું અને એ વખતે રિવ્યુમાં બોલ સીધો સ્ટમ્પ સાથે અથડાતો જોવા મળ્યો હતો. પરિણામે શુભમને બીજી T20માં ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગા થવાનો વારો આવ્યો હતો.