મહિલા વર્લ્ડ કપ માટેના શેડ્યૂલમાં મોટો ફેરફાર…

મુંબઈઃ આગામી 30મી સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકામાં શરૂ થનારા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેનાથી ભારતની મૅચો પર અસર પડશે.
બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મૅચો નવી મુંબઈ (Navi Mumbai)ના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. બેંગલૂરુ (Bengaluru)માં ચોથી જૂને આરબીસીના પ્રથમ આઇપીએલ ટાઇટલના ચૅમ્પિયનપદની ઉજવણી વખતે થયેલી જીવલેણ ભાગદોડના મામલે કર્ણાટક રાજ્ય સરકારે સખત વલણ અપનાવ્યું હતું.
જેને કારણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ વિશ્વકપની જે મૅચો રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું એ માટે પરવાનગી નથી મળી. ધક્કામુક્કીની ઘટનામાં 11 જણે જીવ ગુમાવ્યા હતા.
મહિલા વર્લ્ડ કપ (World cup)ની ફાઇનલ બીજી નવેમ્બરે રમાવાની છે. મૅચોના કેટલાક સ્થળમાં બદલાવ આવ્યો છે, પરંતુ ટૂર્નામેન્ટની તારીખમાં કોઈ ફેરફાર નથી કરાયો. અગાઉની જેમ વર્લ્ડ કપની પ્રથમ મૅચ ભારત-શ્રીલંકા વચ્ચે 30મી સપ્ટેમ્બરે ગુવાહાટીમાં રમાશે.
ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચેની મૅચ પાંચમી ઑક્ટોબરે કોલંબોમાં રમાશે.
આ સ્પર્ધા માટેના પાંચ સ્ટેડિયમના નામ હવે આ મુજબ છેઃ એસીએ સ્ટેડિયમ (ગુવાહાટી), હોલ્કર સ્ટેડિયમ (ઇન્દોર), ડીવાય પાટીલ સ્ટેડિયમ (નવી મુંબઈ), એડીએ-વીડીસીએ સ્ટેડિયમ (વિશાખાપટનમ) અને આર. પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો).