મહિલાઓના વન-ડે રૅન્કિંગમાં થઈ મોટી ફેરબદલ…

દુબઈઃ આઇસીસી (ICC)ના મહિલા વન-ડે રૅન્કિંગમાં મોટી ઊથલપાથલ જોવા મળી છે જેમાં ભારતની ઓપનર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના બૅટિંગમાં નંબર-વન છે જ, વર્લ્ડ નંબર-વન દેશ ઑસ્ટ્રેલિયાની સુકાની અલીઝા હિલી (Healy)એ મોટી છલાંગ લગાવીને ટૉપ-ટેનમાં એન્ટ્રી કરી છે. તે સીધી ચોથા ક્રમે આવી ગઈ છે.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન ઇયાન હિલીની ભત્રીજી અલીઝા હિલીએ રવિવારે ભારત સામે શાનદાર સેન્ચુરી ફટકારીને રૅન્કિંગ (Odi ranking)માં આ ઝડપી પ્રગતિ કરી છે. તેણે એ દિવસે 107 બૉલ પર ત્રણ છગ્ગા અને 21 ચોક્કાની મદદથી મૅચ-વિનિંગ 142 રન કર્યા હતા.
હિલીને એ ધમાકેદાર ઇનિંગ્સનો મોટો ફાયદો એ પણ થયો છે કે તેના રેટિંગ પૉઇન્ટ 700 ઉપર પહોંચી ગયા છે. તેનાથી આગળ માત્ર તેના જ દેશની બેથ મૂની, ઇંગ્લૅન્ડની નૅટ સિવર-બ્રન્ટ અને સ્મૃતિ મંધાના છે.
સ્મૃતિ 793 રેટિંગ પૉઇન્ટ સાથે અવ્વલ છે. નૅટનાં 746 પૉઇન્ટ અને બેથ મૂનીનાં 718 પૉઇન્ટ છે. જોકે ઑસ્ટ્રેલિયાની એલિસ પેરી (જેણે રવિવારે ઈજા હોવા છતાં પાછી રમવા આવીને ઑસ્ટ્રેલિયાને જિતાડ્યું હતું) તથા એશ્લેઇ ગાર્ડનર અનુક્રમે એક તથા ત્રણ સ્થાન નીચે ઊતરીને સાતમા અને આઠમા નંબરે આવી ગઈ છે. નવમા ક્રમે પાકિસ્તાનની સિડ્રા અમીન છે જે તાજેતરમાં ભારત સામેના પરાજય પહેલાં 81 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
આ પણ વાંચો…સતત બે હાર બાદ ભારતીય મહિલા ટીમની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે ફેરફાર, જાણો કોચે શું કહ્યું?