સ્પોર્ટસ

અન્ડર-19 વર્લ્ડ કપની ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટમાં વૈભવ અને આ ગુજરાતી ખેલાડી સહિત ત્રણ ભારતીય

દુબઈઃ શુક્રવારે હરારેમાં અન્ડર-19 વર્લ્ડ કપ (UNDER-19 WORLD CUP)માં ઇંગ્લૅન્ડને 100 રનથી હરાવીને ભારતે છઠ્ઠી વખત જે ટાઇટલ જીતી લીધું એ શાનદાર જીતના મુખ્ય ખેલાડી અને લેફ્ટ-હૅન્ડ ઓપનર વૈભવ સૂર્યવંશી (VAIBHAV SOORYAVANSHI) ઉપરાંત પેસ બોલર હેનિલ પટેલ અને ઑલરાઉન્ડર કનિષ્ક ચૌહાણ સહિત ત્રણ ભારતીય ખેલાડીને આઇસીસી ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટમાં સ્થાન મળ્યું છે. આ ટીમ સિલેક્ટ કરનારાઓમાં ઇયાન બિશન, ઍન્ડી ફ્લાવર, લીડિયા ગ્રીનવે અને ટેલ્ફર્ડ વાઇસનો સમાવેશ હતો.

14 વર્ષના અને મૂળ બિહારના વૈભવે ફાઇનલમાં 80 બૉલમાં 15 છગ્ગા અને 15 ચોગ્ગાની મદદથી 175 રન કરીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. તેણે મૅન ઑફ ધ ફાઇનલ તેમ જ મૅન ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીતી લીધો હતો.

કનિષ્ક ચૌહાણે બોલિંગ તેમ જ બૅટિંગ બન્નેમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે વલસાડમાં જન્મેલા હેનિલ પટેલે આખી ટૂર્નામેન્ટમાં 11 વિકેટ લીધી હતી જેમાં ખાસ કરીને યુએસએ સામેની મૅચમાં તેણે 16 રનમાં પાંચ વિકેટનો જે તરખાટ મચાવ્યો એને કારણે તેને આ સ્ટાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આપણ વાચો: સૂર્યવંશીએ ભારતને અપાવ્યો અન્ડર-19 વર્લ્ડ કપનો છઠ્ઠો તાજ…

આઇસીસી (ICC)ની ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટમાં રનર-અપ ઇંગ્લૅન્ડના પણ ત્રણ ખેલાડી સામેલ છે. ઇંગ્લૅન્ડના કૅપ્ટન-વિકેટકીપર થૉમસ રેવને આ આઇસીસી ટીમમાં મહત્ત્વના જોડિયા સ્થાન તરીકે સમાવાયો છે. આ ટીમમાં સામેલ થૉમસના બે સાથી ખેલાડીમાંથી મૅની લુમ્સડેને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 16 વિકેટ લીધી હતી અને બેન મેયસે હાઇએસ્ટ 444 રન કર્યા હતા.

2026ના અન્ડર-19 વર્લ્ડ કપની આઇસીસી ટીમઃ

વૈભવ સૂર્યવંશી (ભારત), વિરેન ચામુદિથા (શ્રીલંકા), ફૈસલ ખાન શિનોઝાદા (અફઘાનિસ્તાન), થૉમસ રેવ (ઇંગ્લૅન્ડ, કૅપ્ટન-વિકેટકીપર), ઑલિવર પીક (ઑસ્ટ્રેલિયા), બેન મેયસ (ઇંગ્લૅન્ડ), કનિષ્ક ચૌહાણ (ભારત), નૂરિસ્તાની ઓમરઝાઇ (અફઘાનિસ્તાન), વિટેલ લૉવીસ (વેસ્ટ ઇન્ડિઝ), અલી રઝા (પાકિસ્તાન), મૅની લુમ્સડેન (ઇંગ્લૅન્ડ) અને હેનિલ પટેલ (ભારત).

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button