બ્રૂકે છીનવી લીધી રૂટની નંબર-વન રૅન્ક, ગિલની 15 ક્રમની ઊંચી છલાંગ…

દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જાહેર કરેલા ટેસ્ટ-બૅટિંગના નવા રૅન્કિંગ મુજબ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન જૉ રૂટે (JOE ROOT) નંબર-વનની રૅન્ક ગુમાવી છે અને એ સ્થાન તેના જ દેશના હૅરી બ્રૂકે (HARRY BROOK) લીધું છે. ભારત સામેની સિરીઝની બીજી ટેસ્ટમાં 158 રન કરીને બ્રૂકે આ સિદ્ધિ મેળવી છે. શુભમન ગિલે ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટના બે દાવમાં અનુક્રમે 269 રન અને 161 રન કરીને રૅન્કિંગ (RANKINGS)માં ઘણો સુધારો મેળવ્યો છે. તેણે 15 નંબરની છલાંગ લગાવી છે અને 21મા સ્થાનેથી છઠ્ઠા સ્થાને આવી ગયો છે.
હૅરી બ્રૂકના 886 પૉઇન્ટ છે, જ્યારે રૂટ 868 પૉઇન્ટ સાથે તેનાથી 18 પૉઇન્ટ પાછળ છે. ન્યૂ ઝીલૅન્ડના કેન વિલિયમસન ત્રીજા નંબરે, યશસ્વી જયસ્વાલ ચોથા સ્થાને અને સ્ટીવ સ્મિથ પાંચમા સ્થાને છે.
Harry Brook reclaims the spot in the latest ICC Test batter rankings after his spirited knock against India
— ICC (@ICC) July 9, 2025
More https://t.co/Df4PDR7PNf pic.twitter.com/ZxZnEazGXR
શુભમન ગિલ કરીઅર-બેસ્ટ 807 પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે. ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅન જૅમી સ્મિથને પણ ભારત સામેની વર્તમાન સિરીઝથી ફાયદો થયો છે. તેણે શ્રેણીની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડને 5/84ના સ્કોર પરથી બચાવી લઈને અણનમ 184 રન કર્યા હતા અને બીજા દાવમાં 88 રન કર્યા હતા જેને પગલે તેને રૅન્કિંગમાં 16 ક્રમનો ફાયદો થયો છે અને 10મા સ્થાને આવી ગયો છે.
રિષભ પંતને નવા રૅન્કિંગમાં થોડું નુકસાન થયું છે. તેનું રૅટિંગ 790 થઈ ગયું છે અને એક ક્રમ નીચે આવ્યો છે અને હવે સંયુક્ત રીતે સાતમા સ્થાને છે.
વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાનો વિઆન મુલ્ડર જેણે બે દિવસ પહેલાં ઐતિહાસિક ટ્રિપલ સેન્ચુરી (અણનમ 367) ફટકારી હતી જેનો તેને અભૂતપૂર્વ લાભ થયો છે. તેણે 34 ક્રમની છલાંગ લગાવી છે અને બાવીસમા સ્થાને આવી ગયો છે. તે ઑલરાઉન્ડર છે અને તેણે ઑલરાઉન્ડર્સની કૅટેગરીમાં 12 સ્થાનની છલાંગ મારીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. રવીન્દ્ર જાડેજા હજી પણ આ કૅટેગરીમાં મોખરે છે.
ટેસ્ટના ટૉપ-ટેન બૅટ્સમેન
રૅન્ક | નામ | રૅટિંગ |
1 | હૅરી બ્રૂક | 886 |
2 | જૉ રૂટ | 868 |
3 | કેન વિલિયમસન | 867 |
4 | યશસ્વી જયસ્વાલ | 858 |
5 | સ્ટીવ સ્મિથ | 813 |
6 | શુભમન ગિલ | 807 |
7 | રિષભ પંત | 790 |
8 | ટેમ્બા બવુમા | 790 |
9 | કામિન્ડુ મેન્ડિસ | 781 |
10 | જૅમી સ્મિથ | 753 |
નોંધઃ પંત અને બવુમાના એકસરખા 790 પૉઇન્ટ છે એટલે તેઓ એકસરખા સાતમા નંબર પર છે.