આઇસીસીએ બાંગ્લાદેશની મોટી માગણી સ્વીકારી લીધી?

નવી દિલ્હીઃ બાંગ્લાદેશે આગામી ફેબ્રુઆરીમાં ભારત અને શ્રીલંકામાં રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં પોતાની ટીમની જે મૅચો કોલકાતા તથા મુંબઈમાં નિર્ધારિત થઈ છે એ મૅચો ભારત સિવાય કોઈ દેશમાં રાખવા જે માગણી કરી હતી એ મુખ્ય આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સ્વીકારી લીધી હોવાનો અહેવાલ વાઇરલ થઈ રહ્યો છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ભારતમાં પોતાના ખેલાડીઓની સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી અને ભારતમાં પોતાના ખેલાડીઓને વર્લ્ડ કપ રમવા નહીં મોકલે એવો રવિવારે નિર્ણય જાહેર કર્યો એના ગણતરીના કલાકોમાં માગણી સ્વીકારી લેવાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં જોરદાર માગણી, ` આઇપીએલની મૅચો પ્રસારિત નહીં કરતા’
શ્રીલંકા આ વર્લ્ડ કપ (WORLD CUP)નું સહ-યજમાન છે એટલે કોલકાતા તથા મુંબઈની મૅચો કોલંબોમાં કે અન્ય કોઈ શ્રીલંકન શહેરમાં રમાશે એવી સંભાવના છે.
શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને પોતાના સ્ક્વૉડમાંથી કાઢી નાખ્યો એના વળતા જવાબમાં બીસીબીએ બાંગ્લાદેશ સરકારના કહેવા મુજબ ફેબ્રુઆરીમાં પોતાના ખેલાડીઓને વર્લ્ડ કપ માટે ભારત નહીં મોકલવાનો નિર્ણય જાહેર કર્યો હતો.



