આઇસીસીનો સહકાર મળ્યો હોવાનો બાંગ્લાદેશનો દાવો, પણ ભારતમાં રમવા વિશે હજી અસ્પષ્ટ…

ઢાકાઃ આગામી ફેબ્રુઆરીમાં રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારતમાં પોતાની ટીમની સલામતી વિશે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) જે રીતે ચિંતિત છે એ બાબતમાં આઇસીસી (ICC) ખૂબ સહકારભર્યા વલણ સાથે આગળ વધવા તૈયાર હોવાનો દાવો બીસીબીએ દાવો કર્યો છે, પરંતુ તેઓ પોતાના ક્રિકેટરોને ભારત (India)માં રમવા મોકલશે કે નહીં એ વિશે હજી તેઓ સ્પષ્ટ નથી.
વિશ્વ કપ આગામી સાતમી ફેબ્રુઆરીએ શરૂ થશે અને એની મૅચો ભારતમાં તથા શ્રીલંકામાં રમાવાની છે. બાંગ્લાદેશની ચાર લીગ મૅચમાંથી ત્રણ કોલકાતામાં અને એક મુંબઈમાં રમાશે.
બીસીબી (BCB)એ દાવો કર્યો છે કે ` અમે ભારતમાં અમારી ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ રમવા મોકલીએ તો તેમની સલામતી બાબતમાં અમે જેટલા ચિંતિત રહીએ એને આઇસીસીએ બારીકાઈપૂર્વક ધ્યાનમાં લીધી છે અને અમે ભારતમાં રમાનારી અમારી મૅચો અન્ય કોઈ દેશમાં રાખવા જે ઇચ્છા વ્યક્ત કરી છે એના પર પણ આઇસીસી વિચાર કરી રહી છે. આઇસીસી ઇચ્છે છે કે વિશ્વ કપમાં બાંગ્લાદેશની ટીમ કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના સારી રીતે ભાગ લઈ શકે.’
આ પણ વાંચો…ICCનો બાંગ્લાદેશને જોરદાર ઝટકો! T20 વર્લ્ડની મેચ શ્રીલંકા ખસેડવા મામલે કર્યો આવો નિર્ણય…
જોકે બીસીબીએ જે કંઈ દાવો કર્યો છે એમાં એણે એવું ક્યાંય નથી જણાવ્યું કે એ પોતાના ક્રિકેટરોને ભારતમાં રમવા મોકલશે કે નહીં.
બુધવારે સવારે એવો અહેવાલ જાણવા મળ્યો હતો કે ભારતમાં મૅચો ન રમવા વિશેની બાંગ્લાદેશની માગણી આઇસીસીએ નથી સ્વીકારી અને એને કહી દીધું છે કે જો એના ક્રિકેટરો ભારતમાં નહીં રમે તો એણે પૉઇન્ટ જતા કરવા તૈયાર રહેવું પડશે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારના બનાવો ખૂબ વધી જતાં આઇપીએલમાં પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને રમાડવા સામે પ્રચંડ વિરોધ થવાને પગલે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ મુસ્તફિઝુરને પોતાના સ્ક્વૉડમાંથી કાઢી નાખ્યો છે. પરિણામે, બાંગ્લાદેશે ભારતમાં વર્લ્ડ કપ દરમ્યાન પોતાના ખેલાડીઓની સલામતી ન હોવાથી તેમને ભારત નહીં મોકલવાનું વલણ અપનાવ્યું છે તેમ જ બાંગ્લાદેશમાં માર્ચ-મેની આઇપીએલની મૅચો ન પ્રસારિત કરવાનું પણ નક્કી કર્યું છે.



